ગોધરા, તા.ર૯ 

કાલોલમાં વરસના વચલા દિવસે કાલોલના મામલતદાર વિભાગે અચાનક જાગીને મંગળવારે બપોરે સ્થાનિક ગોમાનદીમાંથી ગેરકાયદે રેતી ખનન કરી વહન કરી જતા અરવિંદભાઈ સોમાભાઈ વણઝારાને દેલોલથી અને સુરેશભાઈ ડાયાભાઈ પરમારના રેતી ભરેલા બે ટ્રેક્ટરો ઝડપી પાડી બંને ટ્રેક્ટરોને મુદામાલ સાથે મામલતદાર કચેરીના કમ્પાઉન્ડની બહાર મૂકી દેવામાં આવ્યા હતા. પરંતુ સાંજના સુમારે કોઈ અજ્ઞાત કારણોસર મામલતદાર વિભાગ દ્વારા આ બન્ને ટ્રેક્ટરોને નજીવી રકમનો દંડ વસુલ કરીને છોડી દીધા હતા. આ સમગ્ર ઘટના અંગે તપાસ કરતા મામલતદાર વિભાગના તપાસ અધિકારીએ એવો તર્ક આપ્યો હતો કે ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓ હમણાં નવરા નથી અને પોલીસ સ્ટેશનમાં પોલીસવાળા પણ ટ્રેક્ટર લેવા તૈયાર નથી તેથી અમોએ અમારી સત્તા મુજબ ટ્રેક્ટર દીઠ ૧૦,૦૦૦રૂપિયાનો દંડ વસુલ કરી છોડી દીધા છે એવો લુલો બચાવ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મામલતદાર વિભાગ દ્વારા ઝડપાયેલા આ બંને ટ્રેક્ટરોનું કોઈ વજન પણ કરવામાં નહોતું આવ્યું, તદ્‌ઉપરાંત જિલ્લા કે તાલુકામાં મામલતદાર કે પોલીસ વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે વહન, સંગ્રહ થતું કોઈ પણ પ્રકારનું ખનીજ પકડવામાં આવે તો તે સંબંધિત ખનીજ વિભાગને જાણ કરવામાં આવતી હોય છે અને દંડ વસુલવાની સત્તા ફક્ત અને ફક્ત ખાણ અને ખનીજ વિભાગને શિરે છે ત્યારે કાલોલના મામલતદાર અને નાયબ મામલતદાર દ્વારા આ રીતે હળવો દંડ વસુલી ગેરકાયદે રેતી ખનન કરતા કસુરવારોને છોડી દેવાની સત્તાઓ ગુજરાત સરકારે ક્યારે આપી એ મોટો સવાલ બની ગયો છે, ગોમાનદીમાંથી કરોડો રૃપિયાની રેતી ખનન કરી જતા શહેરના નામી તત્વોને માત્ર દસ હજાર રૂપિયાની નજીવી રકમનો દંડ લઈને રેતી ભરેલા બન્ને ટ્રેક્ટરો છોડી દેવાના પાછળના કારસ્તાન સામે તર્કવિતર્કો સર્જાયા હતા. હાલમાં કાલોલ શહેર અને તાલુકાની ગોમા નદી અને કરાડ નદીમાં રેતી અને માટીનું ગેરકાયદેસર ખનન પુરજોશમાં ચાલી રહ્યું છે. કાલોલ હાઈવે પરથી સંખ્યાબંધ ટ્રેક્ટર રેતી અને માટી ભરીને બિન્દાસ વહન કરી જતા જોવા મળે છે ત્યારે વરસના વચલા દિવસે મામલતદાર વિભાગ દ્વારા આમ અચાનક બે ટ્રેક્ટરો ઝડપીને અંંગત રીતે છોડી પણ દેતા આ સમગ્ર પ્રકરણમાં સઘન તપાસ હાથ ધરવામાં આવશે કે કેમ લોકસવાલ ઉભો થયો છે.