સાબરકાંઠા,તા.૪  

કોરોનાને કારણે રાજ્યમાં સ્કૂલ,કાલેજો શરુ કરવાની મંજૂરી નથી આપવામાં આવી. બીજી તરફ નવું શૈક્ષણિક સત્ર શરુ થતાની સાથે જ સ્કૂલના સંચાલકોએ સરકારની મનાઇ છતાં વાલીઓ પર સ્કૂલ ફી ભરવા માટેનું દબાણ વધારી દીધું છે. તેમાં પણ ઓનલાઇન એજ્યુકેશન શરુ થતાંની સાથે જ સ્કૂલોએ પોતાના ખિસ્સા ભરવાનું શર કરી દીધું છે. આવા કપરા સમયમાં ચારેતરફથી સ્કૂલની ફી માફ કરવાની માંગ ઉઠી રહી છે ત્યારે હિંમતનગરના નવા ગામ ખાતે આવેલી માણેક ઈન્ટરનેશનલ સ્કૂલે વાલીઓને સુખદ આંચકો આપ્યો છે! સ્કૂલ તરફથી ચાલુ વર્ષની તમામ ફી માફ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે. સાબરકાંઠાના હિંમતનગર પાસે નવા ગામ ખાતે માણેક ઈન્ટરનેશનલ સ્કૂલ આવી છે. આ સ્કૂલે વાલીઓની ચિંતા સમજીને સામેથી જ આખા વર્ષની ફી માફ કરી દીધી છે.

કોરોનાને કારણે દરેક વ્યક્તિને આર્થિક નુકસાન થયું છે ત્યારે આ સ્કૂલે વાલીઓને ફી પૂરતી જવાબદારીમાંથી મુક્ત કર્યાં છે. હાલ આ સ્કૂલ તરફથી બાળકોને ઓનલાઇન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. આ સ્કૂલની વાત કરવામાં આવે તો અહીં ૩૩૦ વિદ્યાર્થીઓ છે. અહીં કેજીથી લઈને ધોરણ આઠ સુધીનો અભ્યાસ ચાલે છે. સ્કૂલની સરેરાશ ફી ૧૧ હજાર રુપિયા જેટલી છે. એટલે કે ગણતરી કરતા આ ફી ૨૦ લાખ રુપિયા જેટલી થાય છે. સ્કૂલ તરફથી આ તમામ ફી માફ કરી દેવામાં આવી છે. સ્કૂલના આવા નિર્ણયને કારણે વાલીઓ પણ ખૂબ ખુશ છે. મધ્ય અને ગરીબ વર્ગ કોરોનાને કારણે આર્થિક મંદીથી પીડાઈ રહ્યો છે ત્યારે સ્કૂલના આવા પગલાંની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે. કોરોનાને આ કપરા કાળમાં અન્ય સ્કૂલ પણ હિંમતનગરની આ સ્કૂલ પાસેથી પ્રેરણા લે તે આવકાર્ય છે.