પાદરા

પાદરાની વધુ એક શાળાના આચાર્યને કોરોનાનો રિપોટિ પોઝિટિવ આવતાં શાળા તા.૧૬ માર્ચ સુધી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. શાળાને સેનિટાઈઝર કરવામાં આવેલ છે. છેલ્લા દસ દિવસમાં સ્ટેટ બેન્ક તેમજ પાંચ શાળાઓ કોરોનાની ઝપેટમાં આવતાં ગ્રામ્ય વિસ્તારોમાં શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પાદરા શહેર-તાલુકાના ગામોમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. પાદરા શહેર-તાલુકાના ગામોમાં કોરોનાને કારણે ભયનો માહોલ ઊભો થયો છે, ત્યારે વહીવટીતંત્ર કોઈ અસરકારક પગલાં નહીં ભરતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

પાદરાથી ત્રણ કિ.મી. દૂર આવેલ લતીપુરા ગામે આવેલ સર્વોદય વિદ્યાલય કેળવણી મંડળના આચાર્ય જયનારાયણ કે.ભટ્ટ કોરોના સંક્રમિત થતાં શાળા ૧૬ માર્ચ સુધી બંધ રાખવાની ફરજ પડી છે. શાળાના પ્રવેશદ્વારે બોર્ડ લગાડવામાં આવ્યું છે જેમાં કોઈએ પણ માસ્ક સિવાય શાળામાં પ્રવેશ કરવો નહીં. સર્વોદય વિદ્યાલય કેળવણી મંડળ લતીપુરા શાળામાં રર૦ જેટલા વિદ્યાર્થીઓ ધો.૯ થી ૧રમાં અભ્યાસ કરે છે. કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આચાર્યને આવેલ હોવાની જાણ ટ્રસ્ટીમંડળને કરવામાં આવતાં પ્રમુખ જગદીશભાઈ પટેલ, મંત્રી અશ્વિનભાઈ પટેલ, ઘનશ્યામભાઈ મુખી સહિતના શાળામાં પહોંચી જઈને શાળા તા.૧૬મી સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પાદરા-વડુ પંથકના ચાર શાળાઓના વિદ્યાર્થીઓ ૧૮૬૨ જેમાં લતીપુરા હાઈસ્કૂલના ૨૨૦ વિદ્યાર્થીઓનો ઉમેરો થવા પામ્યો હતો, જ્યારે પ૮ શિક્ષકોમાં વધુ સાત શિક્ષકોનો ઉમેરો થવા પામ્યો છે. આમ ૨૦૮૨ વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરતા હોવાથી હાઈસ્કૂલ બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી.