આણંદ, તા.૨૫ 

દેશમાં સરકારના આદેશ અનુસાર તા.૧૩મીથી ૨૬મી જુલાઈ દરમિયાન વૃક્ષારોપણ પખવાડિયા તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. તદ્દઅનુસાર આણંદની ૪ ગુજરાત ગર્લ્‌સ બટાલિયન, એનસીસી અને સરદાર વલ્લભભાઈ પટેલ હાઇસ્કૂલ ખેતીવાડી આણંદનાં સંયુક્ત પ્રયત્નોથી કર્નલ રાજેશ યાદવનાં નેતૃત્વમાં અને કાર્યકારી પ્રિન્સિપાલ મિતેશભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ શાળાનો સ્ટાફ અને ૧૫ કેડેસએ તા.૨૨મીના રોજ શાળામાં પટાંગણમાં ૧૫ છોડની રોપણી કરી હતી. સાથો સાથ આ છોડો વિશાળ વૃક્ષ બને તેની વિવિધ પ્રક્રિયા દરમિયાન શાળાની ગર્લ્‌સ કેડેટ્‌સ જતન કરશે, તેવી આચાર્યએ બાહેધરી પણ આપી હતી. ૪ ગુજરાત ગર્લ્‌સ બટાલિયનનાં કમાન્ડિંગ ઓફિસર કર્નલ રાજેશ યાદવ દ્વારા ૧૩મીથી અત્યાર સુધીમાં અંદાજે ૨૬૫ ગર્લ્‌સ કેડેટોને ૨૮૦ છોડ પોતપોતાના ઘર તેમજ આસપાસમાં રોપવા માટે પ્રેરિત કર્યા હતા. લેફ. સવિતા યાદવની નિગરાનીમાં કોરોના વાયરસ જેવી મુશ્કેલીના સમયમાં પણ કેડેટોએ સામાજિક અંતર જાળવીને વર્ષાઋતુમાં છોડનું રોપાણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન કર્નલ રાજેશ યાદવનાં માર્ગદર્શન અને પ્રગતિશીલ વિચારધારા થકી બટાલિયનનાં સ્ટાફનાં સામૂહિક પ્રયાસથી  સિનિયર જીસીઆઈ પન્ના જાેષી અને પૂનમ મહેતાએ કર્યું હતું.