વડોદરા : ગરીબો માટે સરકાર દ્વારા અપાતા સસ્તા ભાવનું અનાજ બારોબાર વેચી મારી કાળાબજારમાં વેચવાનું કૌભાંડ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયું છે. શહેરમાં લાંબા સમયથી પુરવઠા વિભાગની મીઠીનજર હેઠળ લાંબા સમયથી આવા ગોરખધંધા ચાલે છે જેમાં સિંધી, મારવાડીઓ અને બિનગુજરાતીઓ સહિત અન્ય લોકો સંડોવાયેલા છે. ત્યારે પોલીસે હવે ગરીબોના મોઢામાંથી કોળિયો છીનવી લેતાં તત્ત્વોને ઝડપી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે. 

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં સરકારી ભાવે વેચાણ કરવા માટે ફાળવેલા અનાજમાંથી અનાજ કાઢીને બીજા કોથળામાં ભરીને રાખેલો જથ્થો વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો છે. પોલીસે ર૮ હજાર રૂપિયાની કિંમતના ઘઉં અને ચોખા સહિત ૩૨૧૮૦ રૂપિયાના મુદ્‌ામાલ સહિત એક આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ એસ.જે.રાઠોડને બાતમી મળી હતી કે કારેલીબાગ વિસ્તારમાં રેશનિંગની દુકાન ધરાવતો એક શખ્સ જનતા માટે સરકારી ભાવે વેચાણ કરવા ફાળવેલા અનાજમાંથી અનાજ કાઢીને બીજા કોથળામાં ભરીને વેચાણ કરે છે જેને આધારે વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે રેડ કરતાં દીપક રજનીકાંત પટણી (ઉં.વ.૩૪, રહે. ૨૪૫, આનંદનગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટી, પ્રાર્થના ફલેટ સામે, કારેલીબાગ, વડોદરા)ને અનાજના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. પોલીસે આ મામલામાં ઘઉંના પ૦ કિલોના કોથળા નંગ-૧૬ કિંમત રૂા.૨૧૬૦૦, ચોખા રપ કિલોના કોથળા નંગ-૧૪ કિંમત રૂા.૬૩૦૦, એક કોથળા સીવવાનું મશીન કિંમત રૂા.૧૦૦૦, એક ઈલેકટ્રીક વજન કાંટો કિંમત રૂા.૨૫૦૦ અને ખાલી કોથળા નંગ-૧૫૬ કિંમત રૂા.૭૮૦ સહિતનો મુદ્‌ામાલ ઝડપાયો હતો. ક્રાઈમ બ્રાન્ચે કારેલીબાગ વિસ્તારમાં રેશનિંગની દુકાન ધરાવતા શખ્સની વધુ પૂછપરછ શરૂ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. આરોપીની પૂછપરછમાં સરકારી અનાજનું મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે.

આવા તત્ત્વો ભારે ચાલાકીથી ધંધો કરતા હોય છે જેમાં સરકારી કોથળામાંથી અનાજ બીજા કોથળામાં ભરી શહેર નજીક અને છેક આણંદ સુધી મિલોમાં વેચાણ કરે છે એ સમયે ડુપ્લિકેટ બિલ પણ સાથે રાખી તંત્રની આંખમાં ધૂળ નાખે છે. એલસીબીએ થોડાં સમય અગાઉ જ આવું ષડ્‌યંત્ર ઝડપી પાડયું છે. અનાજમાફિયા સિંધીઓ તો વારસિયામાં પોતાની જ ફલોર મિલમાં નાખી એમાં અનાજ દળી નાખી પુરાવાઓનો નાશ કરે છે એ અંગે તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવે એમ છે.