વડોદરા : વડોદરામાં હાલ વિવિધ હોસ્પિટલોમાં ૧૬૦ મેટ્રિકટન ઓક્સિજનનો જથ્થો ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. પરંતુ દર્દીઓની સંખ્યા વધવાની સાથે રોજ ઓક્સિજનની માગ વધી રહી છે. આ અંગે સરકારમાં રજૂઆત પણ કરાઈ હોવાનું જાણવા મળે છે. પરંતુ આગામી ચાર-પાંચ દિવસમાં વધુ ઓક્સિજન ફાળવવામાં નહીં આવે તો મે મહિનાના પ્રારંભથી કટોકટી સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

કોરોનાના કેસોમાં છેલ્લા એક મહિનાથી ઝડપથી વધારો થતાં વહીવટીતંત્ર દ્વારા વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવાની સાથે પૂરતો ઓક્સિજનનો પુરવઠો મળી રહે તે માટેની વ્યવસ્થા સાથે આગોતરું આયોજન કર્યું હતું. તે મુજબ હાલ ૧૬૦ મેટ્રિક ટન ઓક્સિજનનો પુરવઠો મળી રહ્યો છે. પરંતુ ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યા વધતાં ઓક્સિજનની જરૂરિયાત પણ વધી રહી છે અને તેમાં રોજ વધારો થઈ રહ્યો છે.

એક અંદાજ મુજબ વડોદરામાં ૧૮૦ મેટ્રિક ટન જથ્થાની જરૂર પડયે તેવી શક્યતા છે જેથી ઓક્સિજનના ઉપયોગ માટેની ગાઈડલાઈનનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે. વડોદરામાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં ૧૩,૫૦૦ બેડની સુવિધા ઉપલબ્ધ છે અને હોસ્પિટલોમાં ઓક્સિજનના સ્ટોરેજ માટેની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. પરંતુ જે રીતે ઓક્સિજનની જરૂરિયાત વધી રહી છે તે મુજબ ઓક્સિજનનો જથ્થો ઉપલબ્ધ નહીં થાય તો કટોકટી સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.જાે કે, સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં વડોદરામાં ઓક્સિજનની માગ ૧૭૦ મેટ્રિક ટન જેટલી છે તેની સામે ૧૬૦ ટન જેટલો સપ્લાય છે. રાજ્ય સરકારે હાલ ૧૬૦ મેટ્રિક ટન કરતાં વધુ જથ્થો ફાળવવા કોઈ આશ્વાસન આપ્યું નથી. ત્યારે જાે આવી જ સ્થિતિ રહી તો વડોદરાની હોસ્પિટલો માટે ઓક્સિજન સપ્લાયની સમસ્યા સાથે કટોકટી સર્જાય તેવી શક્યતા હાલ નકારી શકાય તેમ નથી. જાે કે, આ સંદર્ભે ઉચ્ચ અધિકારીએ રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે. જ્યારે ગઈકાલે મંત્રી યોગેશ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં પણ વધુ ર૦ મેટ્રિક ટન ઓક્સિજન મળે તે માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરાશે એમ જણાવ્યું હતું.