વડોદરા, તા.૮ 

શહેર નજીક સમીયાલા ખાતે આવેલા યુનિયન બેંક ઓફ ઈન્ડિયાનું એટીએમ સેન્ટરમાં મશીન તોડવા માટે મધરાતે સાધનો સાથે ઘુસેલો તસ્કર યુવાન એટીએમ સેન્ટરના ઉપરના માળે રહેતા રહીશની સતર્કતાના કારણે એટીએમ સેન્ટરમાં જ રંગે હાથ ઝડપાયો હતો. પોલીસ પહોંચે તે પહેલા જ સ્થાનિક રહીશોએ શટર પાડી દઈ તસ્કરને એટીએમ સેન્ટરમાં પુરી દેતા પોલીસે ઘટનાસ્થળે જઈ તસ્કરની અટકાયત કરી તેની પાસેથી ચોરીના સાધનો સહિત ૪૬ હજારથી વધુની મત્તા જપ્ત કરી હતી.

મુળ ઉત્તરપ્રદેશના વતની અને હાલમાં સમતારોડ પર ગ્રોમોર એપાર્ટમેન્ટમાં રહેતા આયુષ શ્રીવાસ્તવ શહેર નજીક સમીયાલા ખાતે આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની બેંકની બાજુમાં યુનિયન બેંકનું એટીએમ સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ એટીએમ સેન્ટર દિવસ દરમિયાન ચાલુ હોય છે તેમજ રાત્રે દસ વાગે સમીયાલામાં રહેતા ઝાહીર મલેકને શટર નીચે પાડી દેવા માટે માસિક ૭૦૦ રૂપિયાના પગારે નોકરીએ રાખ્યો છે. એટીએમની સાચવણી માટે રાત્રે કોઈ સિક્યુરીટી ગાર્ડ નથી પરંતું એટીએમ મશીનમાં સાયરન લગાવવામાં આવ્યું છે જેથી કોઈ એટીએમ મશીનના નીચેનો દરવાજાે ખોલવાનો પ્રયાસ કરે તો તુરત સાયરન વાગે.

ગત રાત્રે સવા ત્રણ વાગે તેમને ઉક્ત એટીએમ સેન્ટરના ઉપરના માળે રહેતા ઘનશ્યામભાઈ પટેલે મોબાઈલ ફોન પર જાણ કરી હતી કે એટીએમ સેન્ટરમાં કોઈ માણસ અંદર ઘુસ્યો છે અને સાયરન વાગી રહ્યું છે જેથી તમે પોલીસને ફોન કરો. આ વિગતોના પગલે તેમણે તુરંત શહેર પોલીસ કન્ટ્રોલ રૂમમાં આ બનાવની જાણ કરી ઝાહીર માલિક એટીએમ સેન્ટર પર પહોંચવા સુચના આપી હતી અને તે પોતે પણ ત્યાં જવા નીકળ્યા હતા. જાેકે આ દરમિયાન ઘનશ્યામભાઈએ આસપાસના રહીશોને પણ જાણ કરતો તેઓ તુરંત એટીએમ સેન્ટર પર દોડી ગયા હતા અને તેઓને અંદર તસ્કર ઘુસ્યો હોવાની જાણ થતાં તુરંત શટર નીચે પાડી દઈ તસ્કરને એટીએમ સેન્ટરમાં પુરી દીધો હતો. આ બનાવની જાણ થતાં શહેર અને તાલુકા પોલીસની ગાડીઓ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને બેંક મેનેજર આવતા પોલીસે શટર ખોલીને તપાસ કરી હતી જેમાં એટીએમ સેન્ટરમાં ચોરી કરવા ઘુસેલો અંકિત રમણભાઈ પાટણવાડિયા (સેગવા ગામ, તાલુકા શિનોર, વડોદરા)ને ઝડપી પાડ્યો હતો. આ બનાવની બેંક મેનેજરની ફરિયાદના પગલે તાલુકા પોલીસે અંકિત પાટણવાડિયાની અટકાયત કરી તેની પાસેથી ૪૬ હજારથી વધુનો સરસામાન કબજે કર્યો હતો.