વડોદરા : ભારે ચકચાર મચાવનાર સમાના સોની પરિવારના સામુહિક આત્મહત્યાના પ્રકરણમાં લેભાગુ જયોતિષીયો અને ઠગ તાંત્રીકોની ચુંગાલમાં આવી ગયા બાદ કુલ ૩૨.૨૫ લાખની છેતરપીંડી થઈ હોવાનુું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.પોલીસે ત્રણ ટીમોની રચના કરીને આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૃ કરી છે.

  ઝેર પીધા બાદ બચી ગયેલા સોની પરિવારના પુત્ર ભાવીને પોતાના નિવેદનમાં વિગતવાર માહિતી આપી જયોતીષીઓ અને તાંત્રિકોના કારણે પરિવારને ઝેર પીવાનો વારો આવ્યો હોવાનું જણાવ્યુ છે. બીજી તરફ સમા પોલીસે આત્મહત્યામાં મોતને ભેટેલા પરિવારના મોભી નરેન્દ્રભાઈ વિઠ્ઠલદાસ સોની સામે પૌત્ર પાર્થ ઉ.વ.૩, પુત્રી રિયાને ઝેર પીવડાવી મોત નિપજાવવા બદલ હત્યાનો ગુનો નોંધ્યો છે.

સમા સ્પોર્ટસ્‌ કોમ્પ્લેક્સની સામે આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવાર પાસેથી વડોદરા, અમદાવાદ અને રાજસ્થાનના પુષ્કરના ૯ જ્યોતિષીએ ૩૨.૨૫ લાખ રૂપિયા વિધી, વાસ્તુદોષ અને જમીનમાંથી ધન કાઢી આપવાના બહાને પડાવી લીધા હતા. દેવામાંથી મુક્તિ મેળવવાની લાલચમાં જ્યોતિષીઓ પાસે વિધિ કરાવવા માટે સોની પરિવારના મોભી મકાન ગીરવે મૂકીને ફાઇનાન્સ કંપનીમાંથી લોન લીધી હતી. અમદાવાદના જ્યોતિષી ઘરમાં ખાડો ખોદી સોનાના સિક્કા ભરેલા તાંબાના બે કળશ કાઢી આપી પરિવારના મોભીને વિશ્વાસમાં લીધા હતા. ધન ભરેલા બીજા ૧૬ કળશ કઢાવવા મોભીએ જ્યોતિષીને પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીમાંથી રૂપિયા ૧૩.૫૦ લાખ લોન લઇને આપ્યા હતા. જાે કે પરિવારના બે મહિલાઓની હાલત હજુ નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું છે.

વિધિ દ્વારા સાડા ત્રણ ફૂટનો સાપ ઘરમાંથી કાઢીને બતાવ્યો

દરમિયાન ઘરે જ બેસી રહેતા નરેન્દ્રભાઇ સોનીએ અખબારોમાં આવતી જ્યોતિષીની જાહેરાતો જાેઇને અમદાવાદના પ્રહલાદ નામના જ્યોતિષીનો સંપર્ક કર્યો હતો. તેઓએ ઘરમાં વિધિ કરવા માટે ૨ લાખ રૂપિયા લીધા હતા. જ્યોતિષી પ્રહલાદે તેઓના સાગરીત દિનેશને ઘરે મોકલ્યો હતો. દિનેશે ઘરમાંથી સાડા ત્રણ ફૂટનો સાપ કાઢીને બતાવ્યો હતો. જે સાપ દિનેશ પ્લાસ્ટિકના ડબામાં લઇને જતો રહ્યો હતો. બાદમાં જ્યોતિષી પ્રહલાદે પરિવારના મોભી નરેન્દ્રભાઇને જણાવ્યું કે, સાપના નિવારણ માટે રૂપિયા ૭ લાખ જેટલો ખર્ચ થશે. જાેકે, નરેન્દ્રભાઇ સાપની વિધિ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

રાજસ્થાન પુષ્કરના જ્યોતિષે ૪ લાખ રૂપિયા પડાવ્યા

તે બાદ વર્ષ-૨૦૧૯માં નરેન્દ્રભાઇ રાજસ્થાન પુષ્કર દર્શન કરવા માટે ગયા હતા. જ્યાં એક જ્યોતિષી મળી જતાં તેઓને પોતાની આર્થિક સ્થિતી અંગે વાત કરી હતી. તે જ્યોતિષીએ વિધિ કરીને દેવામાંથી મુક્ત કરી દેવાની લાલચ આપી રૂપિયા ૪ લાખ લીધા હતા. જાેકે, આ જ્યોતિષી વિધિ કરવા વડોદરા આવે તે પહેલાં તેનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત નરેન્દ્રભાઇએ વડોદરાના પાણીગેટ આયુર્વેદીક ત્રણ રસ્તા પાસે સાહિલ વ્હોરા નામના જ્યોતિષીનો સંપર્ક કર્યો હતો. તેઓને વિધિ કરવા માટે રૂપિયા ૩.૫૦ લાખ આપ્યા હતા. સાહિલ વ્હોરા ઓગષ્ટ-૨૦૨૦માં ઘરે આવ્યો હતો. અને તેણે ઘરમાં ખાડો ખોદી ૧૦ ચાંદીના સિક્કા તથા સન-૧૯૨૦ની સાલના ચલણી સિક્કાઓ કાઢીને આપ્યા હતા. જે સાહિલ વ્હોરા લઇ ગયો હતો.

જ્યોતિષે કળશમાંથી હાડકાં કાઢયાં

નરેન્દ્રભાઇ સોની અમદાવાદ રાણીપ વિસ્તારના જ્યોતિષી સમીર જાેષી પાસે ગયા હતા. તેને પણ ઘરમાં ધન દટાયેલું હોવાનું જણાવ્યું હતું અને તેની વિધિ માટે રૂપિયા ૫ લાખ લીધા હતા. સમીર જાેષી વિધિ માટે ઘરે આવ્યો હતો. અને ઘરમાંથી ચાર કળશ દાટેલા કાઢ્યા હતા. જે પૈકી એક કળશમાંથી ચાંદી નીકળી હતી અને બાકીના ત્રણ કળશમાંથી હાડકાં નીકળ્યા હતા. હાડકાં ભરેલા કળશ જ્યોતિષી લઇ ગયો હતો. એક કળશમાંથી નીકળેલી ચાંદી વડોદરાના માંડવી ખાતે આવેલા જિંજુવાડીયા જ્વેલર્સની ત્યાં વેચતા સોની પરિવારને રૂપિયા ૧.૫૦ લાખ મળ્યા હતા. જ્યોતિષી સમીરે બીજી વિધિ કરવા માટે બીજા રૂપિયા ૮ લાખ માગતા સોની પરિવારે આપ્યા ન હતા.

પરિવારે ઊંચા વ્યાજે રૂા.૧૫ લાખની લોન લીધી

મોભી નરેન્દ્રભાઇએ જના ફાઇનાન્સમાં મકાન ગીરવે મૂકી ૧૫ લાખ રૂપિયાની લોન લીધી હતી. જે પૈકી રૂપિયા ૮ લાખ આવાસ ફાઇનાન્સમાં ભરી દીધા હતા. બાકી વધેલા રૂપિયા ૭ લાખ અને મકાન વેચાણના બાના પેટે મેળેલા રૂપિયા ૭ લાખ મળીને કુલ રૂપિયા ૧૪ લાખમાંથી રૂપિયા ૧૩.૫૦ લાખ જ્યોતિષી સ્વરાજને આપ્યા હતા. જે રકમ આપ્યા બાદ બીજા ત્રણ કળશ ભાડાના મકાનમાં ખાડો ખોદીને કાઢ્યા હતા.ત્રણ કળશ પૈકી એક કળશમાંથી માટી, બીજા કળશમાંથી હાડકાં અને ત્રીજા કળશમાંથી બે કિલો ચાંદી નીકળી હતી. પહેલાં નીકળેલા સોનાના સિક્કા ભરેલા કળશમાંથી એક ચિઠ્ઠી લખી હતી કે, આ કળશ તળાવમાં પધરાવી દેવો. જેથી પિતા સોનાના સિક્કા ભરેલો કળશ પાણીમાં પધરાવી આવ્યા હતા. જ્યોતિષી સ્વરાજે બીજી વિધિ કરવા માટે બીજા રૂપિયા ૯ લાખની માંગણી કરતા નરેન્દ્રભાઇએ બીજી વિધિ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

વડોદરા, અમદાવાદ અને રાજસ્થાનના પુષ્કરના ૯ જ્યોતિષીઓને રૂપિયા આપ્યા હતા

ભાવિન સોનીએ સમા પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, વડોદરાના ગોત્રી કેનાલ પાસે રહેતા જ્યોતિષી હેમંત જાેષી મકાન વેચવાની આપેલી જાહેરાત વાંચીને પિતાનો સંપર્ક કર્યો હતો, ત્યાર બાદ તે ઘરે આવ્યો હતો. ઘરે આવેલા જ્યોતિષી હેમંત જાેષીએ ઘરમાં તપાસ કરીને જણાવ્યું કે, તમને વાસ્તુદોષ નડે છે અને તમારા ઘરમાં ગુપ્ત ધન દાટેલું છે. જે ખાડો ખોદીને કાઢવું પડશે. તે માટેની વિધિ માટે ૩૫ હજાર રૂપિયા લીધા હતા.

ત્યાર બાદ હેમંત જાેષીએ અમદાવાદના જ્યોતિષી સ્વારજ જાેષીનો સંપર્ક કરાવ્યો હતો. સ્વરાજ જાેષી પણ ઘરે આવ્યો હતો. તેણે રસોડાની એક ટાઇલ્સ હટાવી ખાડો ખોદી તેમાંથી બે તાંબાના કળશ બહાર કાઢ્યા હતા. જે પૈકી એક કળશમાંથી સોનાના સિક્કા અને બીજા કળશમાંથી હાડકા નીકળ્યા હતા. સોનાના સિક્કા ભરેલ કળશ તિજાેરીમાં મૂકી દીધો. જ્યોતિષી સ્વરાજે રસોડામાં બીજા ૧૬ કળશ દટાયેલા હોવાનું જણાવતા પરિવાર ખુશ થઇ ગયો હતો.

અમદાવાદના એક જ્યોતિષે ૪ લાખ રૂપિયા પડાવ્યા

આ ઉપરાંત અમદાવાદના જ્યોતિષી વિજય જાેષીનો સંપર્ક કર્યો હતો. તેને પણ ઘરમાં આવી વિધી કરવાના નામે ટુકડે-ટુકડે રૂપિયા ૪ લાખ પડાવ્યા હતા. જ્યારે તેના અન્ય એક સાગરીત અલ્કેશ જાેષી પણ વિધિ કરવા માટે ઘરે આવ્યો હતો. અને રસોડામાં ખાડો ખોદ્યો હતો. પરંતુ, કંઇ મળી આવ્યું ન હતું. આમ જ્યોતિષીઓ ૩૨.૨૫ લાખ રૂપિયા પડાવી લેતા પરિવાર દેવાદાર બની ગયો હતો અને છેવટે સામૂહિક આપઘાત કરવાનો વારો આવ્યો હતો. જેમાં પરિવારના ૩ સભ્યોના મોત થયા હતા અને ૩ સભ્યો હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

નરેન્દ્રભાઇ જ્યોતિષના ચક્કરમાં આવી ગયા હતા

સામૂહિક આત્મહત્યા કેસમાં બચી ગયેલા સોની પરિવારના ભાવિન સોનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, સ્વાતી સોસાયટીમાં આવેલું મકાન રૂપિયા ૪૦ લાખમાં વેચવા માટે અને એક સાથે દેવું ચૂકવવા માટે પિતા નરેન્દ્રભાઇ જ્યોતિષીના ચક્કરમાં આવી ગયા હતા. જેમાં વડોદરા, અમદાવાદ અને રાજસ્થાન પુષ્કરના જ્યોતિષી સહિત ૯ જ્યોતિષીઓએ વિધી, વાસ્તુદોષ, ઘરમાં ખાડો ખોદીને દાટેલું ધન કાઢવા માટે રૂપિયા ૩૨ લાખ પડાવ્યા હતા. જ્યોતિષીઓના ભરોસે રહેલા પિતાએ મકાન બાનાખત પેટે અશોકભાઇ મિસ્ત્રી પાસેથી લીધેલા રૂપિયા ૨૩.૫૦ લાખ વાયદા મુજબ પરત આપી શકે તેમ ન હોવાથી પિતાના કહેવાથી પરિવારે ઝેરી દવા ગટગટાવી લઇ આપઘાત કરી લેવાનું નક્કી કર્યું હતું.