અમદાવાદ-

કેન્દ્ર સરકારે સ્કૂલો-કોલેજો ખોલવાની પરમિશન આપી દીધા બાદ રાજ્ય સરકારે દિવાળી વેકેશન બાદ ૨૦ નવેમ્બર પછી સ્કૂલો શરૃ કરવા વિચારણા હાથ ધરી છે અને જે માટે હાલ કવાયત શરૃ કરી દેવાઈ છે. હાલ દરેક જિલ્લામાં ડીઈઓને કર્મચારીઓ, શિક્ષકો, આચાર્યો તથા વાલીઓ સહિતના સંબંધીત લોકો સાથે બેઠકો કરી અભિપ્રાયો લેવાની જવાબદારી સરકાર દ્વારા આપવામાં આવી છે. આ ઉપરાંત કોરોનાને લીધે વાલીઓના સ્થળાંતરને લઈને ઘણી સ્કૂલોમાં બાળકો ઘટતા વર્ગ ઘટાડો થાય તેમ છે પરંતુ સ્કૂલોની રજૂઆતને ધ્યાને રાખતા વર્ગ ઘટાડો નહી કરવામાં આવે તેવો પણ નિર્ણય લેવાયો છે. જેથી દરેક ડીઈઓ કક્ષાએ વર્ગ ઘટાડાની દરખાસ્તો પણ પડતી મુકાઈ છે.

દિવાળી વેકેશન સ્કૂલોમાં ૧૮મી નવે. સુધીનું જ અપાયુ : સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરેલ દિવાળી વેકેશન સ્કૂલોમાં ૧૮મી નવે. સુધીનું જ અપાયુ છે. દર વર્ષે દિવાળી બાદ ૧૭ દિવસનું એટલે કે દેવ દિવાળી સુધીનું વેકેશન અપાતુ હોય છે પરંતુ આ વર્ષે કોરોનામાં એકેડમિક કેલેન્ડર ન હોવાથી શિક્ષકોને દિવાળી પહેલાના ૧૬ દિવસ અને પછીના ચાર દિવસ સ્કૂલોમાં વેકેશન અપાયુ છે. જેથી સરકાર દિવાળી બાદ થોડા દિવસમાં પ્રાથમિક તબક્કે ધો.૧૧-૧૨માં થોડા થોડા વિદ્યાર્થી બોલાવી સ્કૂલ-કલાસરૃમ શિક્ષણ શરૃ કરવા આયોજન કરી રહી છે. જો કે બીજી બાજુ શિક્ષકોમાં રોષ પણ ફેલાયો છે કારણ કે શિક્ષકોને દિવાળી બાદ માત્ર ચાર દિવસ એટલે કે પાંચમ સુધીનું વેકેશન અપાયુ છે. શિક્ષકોની ફરિયાદ છે કે દિવાળી બાદ ગામડે ગયેલા શિક્ષકોને તરત પાછા આવવું પડશે. ઉપરાંત શિક્ષકોએ દિવાળી વેકેશનને કરેલા ટીકિટ બુકિંગ સહિતના આયોજનો પણ ખોરવાયા છે.