કોરોના વાયરસને પગલે સમગ્ર વિશ્વમાં રમતગમત અટકી પડી હતી. હવે ધીમે ધીમે રમતજગત સક્રિય બની રહ્યું છે. જર્મનીમાં બુંદેસલીગા અને સ્પેનમાં લા લીગાએ સૌપ્રથમ ખુશખબર આપ્યા. આ સાથે અન્ય રમતો માટેનો માર્ગ પણ મોકળો બની ગયો હતો. બેઝબોલ, બાસ્કેટબોલ, હોકી અને ક્રિકેટના આયોજકો પણ રમતો ફરીથી શરૂ થાય તે માટે પ્રયત્નશીલ છે.

હકીકતમાં કોરોનાને કારણે ફેબ્રુઆરીથી જ વિવિદ રમતો મોકૂફ કે રદ થઈ રહી હતી તેમાં ય માર્ચ મહિનાથી તો તમામ રમતો બંધ થઈ ગઈ હતી. ઓલિમ્પિક્સનું આયોજન પણ એક વર્ષ માટે પાછળ ઠેલવામાં આવ્યું હતું. મહામારીના પ્રકોપમાં એમ લાગતું હતું કે આ વર્ષે કોઈ ટુર્નામેન્ટ યોજી શકાશે જ નહીં.

જોકે ધીમે ધીમે રમતો શરૂ થવા લાગી છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ હાલમાં ઇંગ્લેન્ડ પહોંચી ગઈ છે અને ટૂંક સમયમાં પાકિસ્તાની ટીમ પણ ઇંગ્લેન્ડ રમવા જનારી છે. સાઉથ આફ્રિકામાં ક્રિકેટ અને ફૂટબોલનો પ્રારંભ થઈ રહ્યો છે. શ્રીલંકામાં પણ ખેલાડીઓએ ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. કોરોનાની અસર બાદ જર્મની પહેલો દેશ છે જ્યાં ફૂટબોલ લીગ શરૂ થઈ હતી.