વડોદરા : વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષીય સ્ટેમ્પ વેન્ડરે તેમની ગંભીર બીમારીથી શારીરિક તેમજ માનસિક રીતે કંટાળી જઈ આજે વહેલી સવારે નર્મદા ભવન ખાતે આવી પહોંચ્યા બાદ પોલીસ કંટ્રોલમાં પોતે નર્મદા ભવન ખાતે આપઘાત કરું છું તેવો મેસેજ આપી નર્મદા ભુવનના સાતમા માળેથી મોતનો ભૂસકો મારી જીવનલીલા સંકેલી લીધી હતી. રાવપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં જ સ્ટેમ્પ વેન્ડર આપઘાત કરી ચૂકયા હતા. પોલીસે બનાવના સ્થળે પહોંચી જઈ કાયદેસરની કાર્યવાહી સાથે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો. ચકચારી બનાવની પોલીસસૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ શહેરના છાણી ગામના બ્રાહ્મણ ફળિયામાં વાણિયાવાડમાં રહેતા રોહિતકુમાર દેવચંદભાઈ શાહ (ઉં.વ.૬પ) છેલ્લાં ઘણાં સમયથી નર્મદા ભવન ખાતે સ્ટેમ્પ વેન્ડરનું કામકાજ કરતા હતા. તેઓ આ સાથે કેટલીક ગંભીર બીમારીઓથી પણ પીડાતા હતા. જાે કે, તેમના પુત્રો અને પરિવારજનો તેમની બીમારીની સારવાર અને દવા-દુઆ બંને કરતા હતા. પરંતુ તેઓને દવાઓ ગરમ પડતાં એસિડિટી થતી હોવાથી ખોરાક લઈ શકતા ન હતા. તદ્‌ઉપરાંત કોરોનાના લીધે ઘરમાં બેસી રહેવાથી તેઓ માનસિક અને શારીરિક રીતે ખૂબ જ કંટાળી ગયા હતા.

પુત્ર જિરેન શાહના જણાવ્યા અનુસાર તેઓ જ્યારે પણ ઘરની બહાર જાય ત્યારે ઘરની વ્યક્તિને કહીને બહાર જતા હોય છે તેમજ તેમની શારીરિક અને માનસિક તકલીફ અંગે અવારનવાર ફરિયાદ કરતા હતા. આજે વહેલી સવારે પિતા રોહિતકુમાર શાહ ઘરમાં કોઈને કહ્યા વગર ચાલતા ઘરની બહાર નીકળી ગયા હતા અને રવિવારે સરકારી કચેરીઓ બંધ હોઈ લોકોની અવરજવર પણ નહોતી. તેઓ બહુમાળી નર્મદા ભવનની બિલ્ડિંગ ખાતે આવી પહોંચ્યા હતા. તેઓ આપઘાત કરવાના મક્કમ નિર્ણય સાથે આવેલા સ્ટેમ્પ વેન્ડર રોહિતકુમાર શાહે આપઘાત પૂર્વે પોલીસ કંટ્રોલ રૂમમાં પોતે નર્મદા ભવન પરથી આપઘાત કરી રહ્યા હોવાનો મેસેજ પણ કર્યો હતો.

પોલીસ કંટ્રોલે આ મેેસેજ રાવપુરા પોલીસ મથકને ફોરવર્ડ કરતાં રાવપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં તો રોહિતકુમાર શાહે નર્મદા ભવનના સાતમા માળે પહોંચી જઈને મોતની છલાંગ મારી જીવનલીલા સંકેલી લીધી હતી. આપઘાત બાદ રાવપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં લોહીથી લથપથ હાલતમાં પડેલ રોહિતકુમાર શાહના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો.