ગાંધીનગર- 

કોરોનાકાળ દરમિયાન સરકાર દ્વારા ઓનલાઇન એજ્યુકેશન બાદ હવે આગામી બોર્ડની પરીક્ષા લેવાના ર્નિણય પછી ગુજરાત શિક્ષણ વિભાગે બોર્ડની પરીક્ષા ફી જાહેર કરી દીધી છે. જાે કે બોર્ડની પરીક્ષા ફીમાંથી બહેનો અને દિવ્યાંગનો મુક્તિ આપવામાં આવી છે. ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં લેવામાં આવનારી બોર્ડની પરીક્ષાને લઇને ફી જાહેર કરી દીધી છે. તેમાં સૌથી મહત્વની વાત એ છે કે બોર્ડની પરીક્ષા ફીમાંથી બહેનો અને દિવ્યાંગને મુક્તિ આપવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષા ફી જાહેર કરી દેવામાં આવી છે. જેમાં ધોરણ ૧૦ માટે પરીક્ષા ફી ૩૫૫ રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ માટે ૪૯૦ રૂપિયા તેમજ વિજ્ઞાન પ્રવાહ માટે ૬૦૫ રૂપિયા ફી નક્કી કરાઇ છે.

થોડા દિવસ પહેલા જ ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ વિભાગ સજ્જ થયું હતું. મળતી માહિતી અનુસાર ઉત્તરાયણ બાદ પરીક્ષાના ફોર્મ ભરવામાં આવશે અને મે મહિનામાં પરીક્ષા યોજાશે. બોર્ડની પરીક્ષા નિયત સમયમાં યોજાય તે માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા જે શીડ્યુલ નક્કી કરાયું છે તેનું પાલન થાય તે માટે ખાસ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બોર્ડની પરીક્ષામાં કોઈ ખોટ ન રહી જાય તે માટે શિક્ષણ વિભાગ અત્યારથી કામે લાગી ગયું છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા કોરોનાકાળમાં ધોરણ ૯ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. કોરોના મહામારીને ધ્યાને રાખીને ગુજરાત સરકારના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ર્નિણય લેવામાં આવ્યો હતો.

જેના હેઠળ ધોરણ ૯થી ૧૨ના અભ્યાસક્રમમાં ૩૦ ટકાના ઘટાડો કરાયો હતો. જ્યારે પરીક્ષા પદ્ધતિમાં પણ માટાપાયે ફેરફાર કરાયો હતો. બોર્ડના ર્નિણય મુજબ ધોરણ-૯,૧૦,૧૧ અને ૧૨ સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારીને ૩૦ ટકા કર્યું છે. જે અગાઉ ૨૦ ટકા હતું. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલે થોડા દિવસ પહેલા જ સીબીએસઈ બોર્ડની આગામી ૧૦ અને ૧૨માં ધોરણની બોર્ડ પરીક્ષાની તારીખો આજે જાહેર કરી હતી, આ પરીક્ષાઓ અગાઉની એનઈઈટી અને જેઈઈ ની પરીક્ષાઓની જેમ જ ઓફલાઇન મોડમાં લેવામાં આવશે તેવું જણાવ્યું હતું.