નડિયાદ : ઠાસરા તાલુકાના સુઈ તળાવ ઓવરફ્લો થતાં વલ્લવપુરા, માસરા અને ભૈડવાના ૧૫૦થી વધુ વિઘા જમીનના પાકને નુકશાન થયું છે. શેઢી શાખાના અધિકારીઓની બેદરકારીને લઈ ખેડૂતોનો ઊભો પાક નાશ પામ્યો છે. દર વર્ષે શિયાળામાં ઘટતી આ બેદરકારીને લઈ ખેડૂતો રોષે ભરાયાં છે. સુઈ ગામના તળાવ ઉપરથી નીકળતી નહેરમાંથી જર્જરિત ગેટ તથા પાઇપલાઇન આગળથી નીકળતું પાણી સુઈ તળાવમાં આવે છે. તળાવમાં પાણીનો ભરાવો થતાં તળાવ ઓવરફ્લો થઈ ગયું હતું. પરિણામે વલ્લવપુરા, માસરા અને ભૈડવા ગામની સીમમાં આવેલા ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે. આ વિકટ સમસ્યાને કારણે આ વિસ્તારના ખેડૂતને દર વર્ષે આર્થિક નુક્સાન થઈ રહ્યું છે. ધરતીપૂત્રોએ મોંઘા ભાવે ખરીદેલાં બિયારણ અને ખાતરનો ખર્ચો માથે પડ્યો છે. તંત્રની બેદરકારીનો ભોગ ખેડૂત બની રહ્યો છે. ખેડૂતની વેદના સાંભળવા પણ તંત્ર તૈયાર નથી. ખેડૂતે મોંઘા ભાવના બિયારણથી વાવેલાં ઘઉં, ચણા, તમાકુ અને દિવેલાનો ઊભો પાક ધોવાઈ ગયો છે. માસર અને ભૈડવાના ખેડૂતોએ જણાવ્યું હતું કે, શેઢી શાખાની કેનાલમાંથી પાણી સુઇ ગામના તળાવમાં નાખવામાં આવે છે. તળાવ ઓવરફ્લો થતાં તેનું વધારાનું પાણી માસરા ગામની સીમમાં આવી જાય છે. દર વર્ષે કોઇપણ સીઝન કરવાના સમયે પાણી આવતું હોવાથી ઘઉંની સીઝન નિષ્ફળ ગઈ છે.