ગાંધાનગર-

એલટીસીના નાણા મેળવવા માટે અત્યાર સુધી કર્મચારીઓને ફરજિયાત રીતે પ્રવાસ કરવો પડતો હતો અથવા તો ટ્રાવેલ એજન્ટો પાસેથી ઊંચી રકમ આપીને ખોટા બિલ મેળવવા પડતા હતા. પરંતુ ગુજરાત સરકારે આ વખતે કોઇ કર્મચારી પ્રવાસ ન કરે તો પણ તેને એલટીસી ભાડું ચૂકવવું તેઓ નિર્ણય લીધો છે. સાથોસાથ એલટીસીની રજાનુ પણ રોકડમાં રૂપાંતર કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવાતા લાખો કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાવા પામી છે.

ગુજરાત સરકારના નાણા વિભાગના સેક્શન ઓફિસર મહેશ ધોળકીયાએ આ સંદર્ભે ગઇકાલે મોડી સાંજે એક ખાસ પરીપત્ર પાઠવીને જણાવ્યું છે કે રજાનું રોકડમાં રૂપાંતર અને એલટીસી ભાડું બંને રોકડમાં આપવામાં આવશે. કોઈ એક યોજનાનો લાભ નહીં મળે પરંતુ કર્મચારીએ ફરજિયાત રીતે બંને યોજનાનો લાભ લેવાનો રહેશે.ગુજરાત સરકારના લાખો કર્મચારીઓને અસર થાય તેવો નિર્ણય નાણા વિભાગ દ્વારા લેવાયો છે. ૨૦૧૬ -૧૯ ના રજા પ્રવાસ- વતન પ્રવાસ રાહત યોજના બ્લોકની મુદત ૩૧ ડિસેમ્બરના રોજ પૂરી થાય છે. સરકારે તેમાં ત્રણ મહિનાનો વધારો કરીને આ મુદત ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીની કરી નાખી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે બ્લોક વર્ષ ૨૦૧૬- ૧૯ની મુદતમાં અગાઉ એક વર્ષનો વધારો કરવામાં આવ્યો હતો.પરંતુ કોરોનાની પરિસ્થિતિ થાળે ન પડતા હવે ત્રણ મહિના લંબાવી સાથોસાથ રોકડ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. 

કોરોનાને કારણે અર્થવ્યવસ્થાને ગંભીર વિપરીત અસર પહોંચી છે. ત્યારે લોકોની ખરીદશક્તિ વધારવા અને અર્થતંત્રની વ્યવસ્થા વધુ વેગવંતી બનાવવા માટે સરકારે રોકડ પેકેજમાં એવી શરત લાગાવી છે કે કર્મચારીને રજાના રોકડમાં રૂપાંતરથી અને એલટીસીના ભાડાની રકમ રોકડમાં જેટલી મળશે તેનાથી ત્રણ ગણી રકમ કર્મચારીએ ખર્ચ કરવાની રહેશે. કર્મચારી દ્વારા કરાયેલી ખરીદીના બિલ સરકારમાં રજુ કરવાના રહેશે અને ત્યારબાદ રોકડ પેકેજનો લાભ આપવામાં આવશે. ખરીદી કઈ પ્રકારે કરવી અને તેના બિલની સાચવણીમાં શું કરવું તે સંદર્ભે સરકારે વિસ્તૃત માર્ગદર્શિકા પણ જાહેર કરી છે.નાણા વિભાગ દ્વારા એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે રોકડ પેકેજ યોજના બ્લોક વર્ષ ૨૦૨૦- ૨૩ માટે લાગુ નહીં પડે. રોકડ પેકેજ યોજના સરકારે જાહેર કરી છે તેનો લાભ લેવા માટેની અંતિમ તારીખ ૩૧ માર્ચ નક્કી કરવામાં આવી છે. જે કર્મચારીઓ આ યોજનાનો લાભ લેશે તેને ટીડીએસ કપાત કરવામાં નહીં આવે,એટલું જ નહીં રોકડમાં જે રકમ મળશે તે આવકવેરાને પાત્ર ગણવામાં નહિ આવે.