અમદાવાદ-

કોરોના સંક્રમણને કારણે છેલ્લા કેટલાક મહિનાથી શાળા અને કોલેજમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે, જે હવે આગામી દિવાળી વેકેશન બાદ ખુલવાની શક્યતાઓ પ્રબળ બની રહી છે. છેલ્લા એક મહિનાથી રાજ્ય શિક્ષણ વિભાગ અને ઉચ્ચ અધિકારીઓ શાળા અને કોલેજના શૈક્ષણિક કાર્ય શરૂ કરવાને લઈને ગંભીરતાથી વિચાર વિમર્શ કરી રહ્યા છે. રાજ્યની તમામ શાળાના સંચાલકો અને અધ્યાપકો સાથે પણ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લા સ્તરે સ્થાનિક અધિકારીઓ સતત વિચાર વિમર્શ કરી રહ્યા છે. ત્યારે આગામી દિવાળી વેકેશન બાદ શાળા અને કોલેજમાં શૈક્ષણિક કાર્ય શરૂ થાય તેની પ્રબળ શક્યતાઓ છે.

રાજ્ય શિક્ષણ વિભાગ શાળા અને કોલેજમાં શૈક્ષણિક કાર્ય શરૂ થાય તે માટે ગંભીરતાપૂર્વક આગળ વધી રહ્યું છે અને આગામી થોડા જ દિવસોમાં આ નિર્ણય લેવાઈ જશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. પરંતુ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા બાળકોમાં કોરોના વધુ ફેલાઈ શકવાને કારણે આવી પરિસ્થિતિમાં દિવાળી બાદ પણ ધોરણ-1 થી 8 નું શૈક્ષણિક કાર્ય શરૂ થાય તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવતી નથી. દિવાળી બાદ ધોરણ 9 થી 12 તેમજ કોલેજ કક્ષાનુ ઉચ્ચ શિક્ષણ કાર્ય શરૂ થાય તે અંગે રાજ્ય સરકાર આગળ વધી રહી છે અને તેનો નિર્ણય આગામી દિવસોમાં લેવાઈ શકે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે.