ગાંધીનગર

રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી છે. જેના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી સામેના સંઘર્ષમાં રાજ્ય સરકાર કોઈ જ પીછેહઠ નહિ કરે. હાઇકોર્ટનો રિપોર્ટ મળ્યા બાદ તે અંગે કોર ગૃપની બેઠકમાં ચર્ચા કરાશે અને ત્યાર બાદ જ લોકડાઉન કે કર્ફ્‌યૂ અંગેનો કોઈ ર્નિણય લેવામાં આવશે.

રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈને ગુજરાત હાઈકોર્ટે આજે રાજ્ય સરકારને ટકોર કરીને કહ્યું હતું કે, કોરોનાની મહામારીને નાથવા માટે રાજ્ય સરકાર દ્વારા મિની લોકડાઉન કે કર્ફ્‌યૂ લાદવા જેવું કોઈ આયોજન કરવામાં આવે તે જરૂરી છે. ગુજરાત હાઈકોર્ટની આવી ટકોરને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત ખાતે પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કોરોનાની મહામારી સામેના સંઘર્ષમાં રાજ્ય સરકાર કોઈ જ પ્રકારની પીછેહઠ કરશે નહીં. ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની બેન્ચ દ્વારા રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગેનો અવલોકન-રિપોર્ટ સરકારને મળ્યા બાદ તે અંગે કોર ગ્રૂપની બેઠકમાં ચર્ચા થશે. કોર ગૃપની બેઠકમાં ચર્ચા થયા બાદ યોગ્ય ર્નિણય લેવાશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં કોરોના વધુ ના ફેલાય, એટલું જ નહિ સંક્રમિત લોકોને ત્વરિત સારવાર મળે અને કોરોનાના કારણે કોઈનું મૃત્યુ ન થાય તે સરકારની જવાબદારી છે.

રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસ બાબતે સરકાર અત્યંત ગંભીર છે અને તે માટે સરકાર દ્વારા આવશ્યક તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, લોકોએ ડરવાની નહીં, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. હાલની પરિસ્થિતિ જાેતા કેસ વધવાની સંભાવના છે. ગુજરાતમાં કોરોનાના ૬૦ ટકા કેસ ફક્ત રાજ્યના ચાર મહાનગરોમાં જાેવા મળી રહ્યા છે.  છેલ્લા એક વર્ષથી પ્રજાના સહકારથી આપણે કોરોના સામે સંઘર્ષ કરી રહ્યા છીએ, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં રસીકરણની સંખ્યાને વધારી રોજના ચાર લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં ૭૦ લાખ લોકોને રસી અપાઇ ચૂકી છે. રાજ્યના દરેક નાગરિક રસી લે અને માસ્ક બરોબર પહેરે તેવી અપીલ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, હાલ તો કોરોના સામે આપણી પાસે માસ્ક અને વેક્સિન એ બે જ ઇલાજ ઉપલબ્ધ છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં પહેલા રોજ ૬૦ હજાર કોરોના ટેસ્ટ કરતાં હતા. હવે રોજના ૧.૨૦ લાખ ટેસ્ટ થઈ રહ્યા છે.