ભાવનગર, કોરોનાના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓના અભ્યાસના થયેલા નુકસાનને સરભર કરવા માટે રાજ્ય સરકારે ૧૦૦ કલાક સમય દાન આપવા કરેલા આહવાનની ભાવનગર જિલ્લાના પાલીતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં વધારાના અભ્યાસ વર્ગો દ્વારા સરભર કરવાની શરૂઆત કરવામાં આવી છે. કોરોનાના કારણે ઓફલાઈન શિક્ષણકાર્ય પૂરતી રીતે શક્ય બન્યું નથી અને વિદ્યાર્થીઓને પૂરતું શિક્ષણ રૂબરૂમાં આપી શકાયું નથી.તેવા સંજાેગોમાં રાજ્ય સરકાર દ્વારા શાળા સંચાલકો તથા શિક્ષકોને શાળા સમય પહેલા અને શાળા સમય બાદ વધારાના વર્ગો લઈને પણ વિદ્યાર્થીઓના અધૂરા રહેલા શિક્ષણ કાર્યને પૂરું કરવા માટે આહવાન કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાના અને માધ્યમિક શાળાના શિક્ષકો માટે ૧૦૦ કલાક સ્વૈચ્છિક સમયદાનનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત આ વધારાના અભ્યાસ વર્ગોની શરૂઆત કરવામાં આવી છે. પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં અધૂરા રહેલા અભ્યાસને પૂર્ણ કરવાં માટે શાળાના ધોરણ-૫ ના ૨૭ વિદ્યાર્થીઓ માટે માટે વર્ગશિક્ષક નાથાભાઇ ચાવડા દ્વારા પાયાનું વાંચન, લેખન અને જ્ઞાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભ્યાસ કાર્ય માટે બાળકોને જરૂરિયાત મુજબની સ્ટેશનરી પણ આપવામાં આવનાર છે.ઉલ્લેખનીય છે કે, ઝવેરચંદ મેઘાણી શાળાના શિક્ષક નાથાભાઇ  ચાવડાને વિદ્યાર્થીઓને નાવીન્યપૂર્ણ અભિનવ પ્રયોગો દ્વારા શિક્ષણ આપવા માટે અગાઉ અનેક પ્રમાણપત્ર અને સન્માનથી સન્માનિત કરવામાં આવેલ છે.