અમદાવાદ-

અમદાવાદ શહેરના કેટલાંક વિસ્તારોમાં ઈલેક્ટ્રિક વાહનો માટેના ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે કેન્દ્ર સરકારની ઇઇએસએલ કંપની સાથે 10 વર્ષના એમઓયુ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

મીડિયાના એક અહેવાલ અનુસાર, અમદાવાદ શહેરમાં કાંકરિયા, પ્રેમ દરવાજા, લાલ દરવાજા એએમટીએસ કચેરી, નવરંગપુરા, કાંકરિયા ગેટ-2 ખાતે આગામી માર્ચ મહિના સુધીમાં ઈલેક્ટ્રિક વાહનો માટેના ચાર્જિંગ સ્ટેશનો બનશે. ત્યારબાદ બીજા 100 સ્થળે ચાર્જિંગ સ્ટેશન શરૂ થશે. આ માટે કેન્દ્ર સરકારની EESL કંપની સાથે 10 વર્ષના MoU કરવામાં આવ્યા છે. કાંકરિયા, પ્રેમ દરવાજા, લાલ દરવાજા એએમટીએસ કચેરી, નવરંગપુરા, કાંકરિયા ગેટ-2 આ પાંચ સ્ટેશન બાદ બીજા 100 સ્થળે ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવશે. એક સ્ટેશન પર એક સાથે 3થી 4 કાર ચાર્જ થઈ શકશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, કેન્દ્ર સરકારની કંપનીને જ જગ્યા આપવાની હોવાથી કંપની પાસેથી જમીનને લગતો કોઈ ચાર્જ કે ભાડું વસૂલવામાં આવશે નહીં. પરંતુ કંપની તેની સામે મ્યુનિસિપલ કોર્પોરેશનને તેમના વેચાણમાંથી પ્રતિ યુનિટ 70 પૈસા જેટલો ચાર્જ ચૂકવશે. અહેવાલ અનુસાર, અત્યાર સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કક્ષાના 22 જેટલા અધિકારીઓને ઈલેક્ટ્રિક કાર આપવામાં આવી છે. તો બીજી બાજુ અન્ય કેટલાક પદાધિકારી માટે મ્યુનિપલ કોર્પોરેશને ઈલેક્ટ્રિક કાર ખરીદી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પેટ્રોલિયમ પદાર્થોની આયત પર દેશની નિર્ભરતા ઓછી કરવા અને પ્રદૂષણને રોકવા માટે કેન્દ્ર સરકાર ઇલેક્ટ્રિક વ્હીકલ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. મોટાભાગના કેન્દ્રીય મંત્રીઓએ આવનાર વર્ષોમાં ભારતને ઈલેક્ટ્રિક કારનું હબ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કેન્દ્ર સરકારે પણ આ મુદ્દે ચર્ચા કરી છે. એટલે કેન્દ્રીય બજેટમાં આશા સેવાઈ રહી છે કે, ઇલેક્ટ્રિક કારના કારોબાર માટે સ્પષ્ટ બ્લુપ્રિન્ટ લોકો સમક્ષ રજૂ કરવામાં આવે. નાણાં મંત્રાલયે પહેલેથી જ ઓટોમોબાઈલ ઉદ્યોગ અને ઈલેક્ટ્રિક વાહનો મામલે સલાહ-સૂચન આપતા નીતિ આયોગના વિશેષ જૂથ સાથે વિગતવાર ચર્ચા કરી લીધી છે.