અમદાવાદ-

પૈસા અને પ્રેમ માટે પ્રપંચ રચીને જનેતા જ હત્યાના ષડયંત્રમાં સામેલ થઈ જમ બની હોવાના બે કિસ્સા બન્યાં છે. નરોડા અને કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાના બે કિસ્સા આંચકો આપી જાય તેવા છે. દસક્રોઈના કુંજાડ ગામમાં યુવકનો મૃતદેહ મળ્યો હતો. મૃતક ૨૧ વર્ષના હાર્દિક પટેલની હત્યા તેની ઓરમાન માતા ગૌરીબહેને જ કરાવી હતી.

પોલીસ તપાસમાં એવી વિગતો ખુલી કે, ગૌરીબહેને સાવકા પુત્ર હાર્દિકના નામે સગા સંબંધીઓ પાસેથી ૨૬ લાખ રૂપિયા ઉછીના લઈ નાસિકમાં બહેનપણીના દિકરાને મોકલી આપ્યાં. કોરોનામાં ડેરીનો વ્યવસાય ચાલ્યો ન હોવાથી પૈસા ડૂબી ગયાનું બહાનું ગૌરીબહેને સાવકા પુત્ર હાર્દિકને આપ્યું હતું. હાર્દિકને ઓરમાન માતાના મનસૂબાની જાણ થઈ ગઈ અને ઝઘડો થયો.

સાવકી માતા ગૌરીબહેને પ્રપંચ કરી નાસિકથી સંજય, અનિલ અને દિનેશ નામના શખ્સોને બોલાવીને ગળાટૂંપો દઈ પુત્ર હાર્દિકની હત્યા કરી નાંખી હતી. હાર્દિક ગુમ થયાની ફરિયાદ કણભા પોલીસમાં નોંધાવાઈ હતી. એવામાં જ ચોસમિયા ગામ પાસેથી મળેલો મૃતદેહ હાર્દિકનો હોવાનું સ્પષ્ટ થયું અને પોલીસે આખો ભેદ ખોલી નાંખ્યો.

પૈસાના ઝઘડામાં સાવકા પુત્ર હાર્દિકની હત્યા કરનાર ગૌરી પટેલે વર્ષ ૨૦૧૪માં તેના ખુદના ૧૧ વર્ષના પુત્રની હત્યા કરી હોવાની કેફિયત પણ પોલીસને આપી છે. ગૌરી પટેલે પોતે નાસિકમાં જે બંગલામાં રહીને ઘરઘાટી તરીકે કામ કરતી હતી ત્યાં ચોરી કરવા માટે દિયર અને સાગરિતોને ટીપ આપી હતી. ચોરી માટે સાગરિતો આવ્યા ત્યારે જાગી ગયેલા ૧૧ વર્ષનો પુત્ર જાેઈ ગયો હતો એટલે ગૌરીએ જ હત્યા કરી નાંખી હતી.

આ પછી ગૌરીએ ચોરી માટે આવેલા સાગરિતો ઉપર આળ નાંખવા પ્રયાસ કર્યો. ચોરી કરવા આવેલા શખ્સોએ બળાત્કારની કોશિષ કરી ત્યારે પુત્ર જાગી જતાં હત્યા કરી નાંખ્યાની સ્ટોરી ઉભી કરી . પણ, પોલીસે ભંડાફોડ કર્યા પછી ધરપકડ કરતાં જેલમાં રહેલી ગૌરીબહેન કણભાના કુંજાડ ગામે આવી આઠ વર્ષથી રહેવા લાગી અને વધુ એક હત્યાનો પ્રપંચ સર્જી દીધો.

જ્યારે, અમદાવાદના નરોડામાં માતાએ ત્રણ વર્ષના પુત્રની હત્યા કરી છે. જ્યોતિ નામની યુવતીએ તેના બોયફ્રેન્ડ ભૂપેન્દ્ર પરમાર સાથે અંગત પળો માણવી હતી અને પુત્ર આડખિલીરૂપ બનતો હોવાથી હત્યાની યોજના ઘડી હતી. બન્નેએ ગેસ્ટહાઉસ બૂક કર્યું હતું. હદ તો એ છે કે, તાવ આવતો હોવાથી પુત્રને ઝેર મિશ્રિત દૂધ પિવડાવ્યું તે પછી જ્યોતિએ તેના પુરૂષ મિત્ર સાથે સેક્સ માણ્યું.૨૬ વર્ષની જ્યોતિને લગ્ન પહેલાંથી એટલે કે આઠ-નવ વર્ષથી પિયરમાં નજીક રહેતા ભૂપેન્દ્ર સાથે સંબંધ હતા. પતિને આ વાતની જાણ થતાં ઝઘડો પણ થયો હતો. આમ છતાં બન્નેએ સંબંધો આગળ ધપાવ્યા હતા અને તેમાં આડખિલીરૂપ બનતાં પુત્રની જ હત્યા માતાએ કરી હતી.

મનોચિકિત્સકોના મતે, મોહ-માયામાં લપેટાઈને સામાજીક સંબંધોની મર્યાદા ચૂકાય ત્યારે ગુનાખોરીના મંડાણ થાય છે. એમાં પણ કોઈ સ્ત્રીના મનમાં અસંતોષની આગ ભડકી ઉઠે ત્યારે ઘર, પરિવાર અને નજીકના લોકોને દઝાડી જાય છે.અસંતોષ ઉદ્દભવે તેવા નાજૂક તબક્કે સથવારો આપનાર તરફથી ઉશ્કેરણી થાય અને જાેઈએ તે પામવાની ઈચ્છા બેકાબૂ બને ત્યારે ગુનાનો ઉદ્દભવ થવાની સંભાવના વધે છે. આરોપી તરીકે પકડાયેલી મહિલાઓનું કાઉન્સેલિંગ કરવાની દિશામાં પણ મજબૂત વિચારણા થવી જરૂરી છે. કારણ કે, સ્ત્રીની વિચારધારા સુદ્રઢ પરિવાર અને સમાજનું નિર્માણ કરે છે.