વડોદરા : સયાજી હોસ્પિટલમાં ખાનગી કોન્ટ્રાક્ટમાં વર્ગ ૩ અને ૪ના કર્મચારીઓને છેલ્લા દોઢ-બે મહિનાથી પગાર ચુકવવામાં ન આવતાં તેમજ દર મહિને પગાર ચુકવવામાં આનિયમિત રહેતા કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કર્મચારીઓએ વિરોધ નોંધાવી હડતાળ ઉપર ઉતરી ગયા છે. હડતાળના બીજા દિવસે પણ કર્મચારીઓએ હડતાળ યથાવત રાખી વિરોધ નોંધાવી હડતાલ ચાલુ રાખવા માટે મક્કમ બન્યા છે.

શહેરની સરકારી સયાજી હોસ્પિટલમાં ડી.જેનાકરાણી તથા એમ.જે. સોલંકીનો મેનપાવર સપ્લાયનો ઘણા વર્ષથી કોન્ટ્રાક્ટ ચાલે છે. આ કોન્ટ્રાક્ટર દ્વારા સયાજી હોસ્પિટલ સહિત મેડીકલ કોલેજમાં પણ વર્ગ - ૩ અને ૪ના કર્મચારીઓ કામ કરે છે. મેડીકલ કોલેજમાં કામ કરતાં ૮૦ જેટલા કર્મચારીઓને છેલ્લા દોઢ - બે માસથી પગાર ચુકવવામાં આવ્યો ન હોવાથી કર્મચારીઓમાં કોન્ટ્રાક્ટ વિરૂદ્ધ રોષની લાગણી ફાટી નિકળી છે અને તેની વિરૂદ્ધ મેડીકલ કોલેજના કોન્ટ્રાક્ટના કર્મચારીઓ દ્વારા પગારની માંગ કરી હડતાલ ઉપર ઉતર્યો છે. ગઇ કાલથી હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ આજે બીજા દિવસે પણ હડતાલ ચાલુ રાખી પગાર ચુકવવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ આંદોલન ચાલુ રાખવા મક્કમ બન્યા હોવાનું કર્મચારીઓએ જણાવ્યું હતું.