વડોદરા

સાવલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પરિવાર સાથે રહેતી ૧૫ વર્ષીય સેજલ (નામ બદલ્યુ છે) હાલમાં તેના ઘરથી દુર આવેલી શાળામાં ધો.૧૦માં અભ્યાસ કરે છે.

આજે સવારે સાડાસાત વાગે તે શાળામાં ગઈ હતી અને સાડાબાર વાગે શાળા છુટતા તે ઘરે જવા માટે એકલી ચાલતી ચાલતી સમલાયા સ્ટેશન પાસે સરકારી દવાખાનાના રોડ પર આવીને ઘરે જવા માટે વાહનની રાહ જાેવા ઉભી હતી. આ દરમિયાન ત્યાંથી બાઈક લઈને પસાર થતો મનોજ શાંતિલાલ રોહિત (નાની ભાડોલગામ, તા.સાવલી) સેજલ પાસે ગયો હતો અને જણાવ્યું હતું કે ‘હું ઘરે જાઉ છુ, તારે આવવંુ હોય તો મારી સાથે બેસી જા હું તને ઘરે છોડી દઈશ’.

પરિચિત હોવાના કારણે સેજલ તેની બાઈક પર બેઠી હતી અને તેણે સેજલના ગામ તરફ બાઈક હંકારી હતી. જાેકે ગામ નજીક આવતા તેણે અચાનક ખેતરમાં બાઈક વાળતા ચોંકી ઉઠેલી સેજલે તુરંત મનોજને પુછ્યુ હતું કે તું મને ક્યાં લઈ જાય છે ?.

જાેકે મનોજે ‘ તું ચુપ રે, કંઈ પણ બોલીશ તો તને જાનથી મારી નાખીશ’ તેમ કહેતા સેજલે તેની દાનત પારખીને ચાલુ બાઈકે કુદકો માર્યો હતો. ચાલુ બાઈક પટકાતા તેના બંને હાથ અને પગમાં ઈજાઓ પહોંચી હતી તેમ છતાં તે આબરુ બચાવવા માટે ઘર તરફ ભાગતા મનોજે બાઈક ઉભી કરી તેનો પીછો કર્યો હતો અને તેને રસ્તામાં કમરના ભાગેથી પકડીને શારીરિક છેડછાડ કરી હતી. જાેકે સેજલે જાેરથી ધક્કો મારતા મનોજ પડી જતા તેણે ફરી ઘર તરફ દોટ મુકી હતી. સેજલ હાથમાં નહી આવે તેમ લાગતા મનોજે તેને ધમકી આપી હતી કે ‘જાે તું આ વાત કોઈને કરીશ તો તને જીવતી નહી રહેવા દઉ’. જેમતેમ કરીને ઘરે પહોંચેલી સેજલે આ બનાવની તેના માતા-પિતા અને ગામના આગેવાનોને જાણ કર્યા બાદ મનોજ રોહિત વિરુધ્ધ સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતી અને પોક્સો એકટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.