વડોદરા, તા.૪ 

ડભોઈરોડ પર કપુરાઈગામના રાજનગર સોસાયટીમાં રહેતી નામચીન બૂટેલગર રમીલાબેન ઉર્ફ પ્રેમિલા વિશાલ પ્રજાપતિનો પહેલા પતિનો ૧૬ વર્ષીય પુત્ર અંકિત વાઘોડિયારોડની અંબે વિદ્યાલયના ધો.૧૦માં અભ્યાસ કરતો હતો. બુધવારની મોડી સાંજે અંકિતે તેની માતાને જણાવ્યું હતું કે ‘મારો મિત્ર યોમ ઉર્ફ અનિલ ભરવાડ લગ્નપ્રસંગમાં પહેરવા માટે મારી સોનાની ચેન લેવા માટે આવી રહ્યો છે અને તે ચેનના બદલામાં તેની ફોચ્ર્યુન કાર મને આપવાનો છે.’ માતાના વિરોધ છતાં અંકિતે જીદ કરતા માતાએ તેને બગસરાની બોગસ સોનાની ચેન આપી હતી જે લઈને અંકિત મોડી સાંજે તેની સોસાયટીમાં કાર લઈને આવેલા અનિલ ભરવાડ અને તેના બે સાગરીતો સાથે કારમાં રવાના થયો હત. ત્યારબાદ ગુમ થયેલા અંકિતની ગઈ કાલે સવારે દેણા ગામની વિરોદ જતા સુમસામ માર્ગ પર હત્યા કરીને ફેંકી દેવાયેલી લાશ મળી હતી. આ બનાવની પ્રેમિલા પ્રજાપતિએ પોતાના પુત્રની હત્યાની અનિલ અને તેના બે સાગરીતો વિરુધ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓના નામો ખુલતા તાલુકા પોલીસ અને એલસીબીની ટીમે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી અને આજે આ હત્યાકેસના મુખ્ય આરોપી અનિલ ઉર્ફ યોમ હમીર ભરવાડ (જનોડનગર, રેવડિયા મહાદેવ મંદિર પાસે, ન્યુવીઆઈપીરોડ), દિલીપ હમીર ભરવાડ (ભરવાડવાસ, રેવડિયા મહાદેવમંદિર સામે, ન્યુ વીઆઈપીરોડ) અને અન્ય એક સગીર વયના આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણેયના પોલીસ મથકે લાવીને અંકિતની કયા કારણોસર હત્યા કરી તેની પુછપરછ કરી હતી જેમાં અનિલે એવો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે ગત ૩૦મી નવેમ્બરના સાંજના સમયે કપુરાઈચોકડી પોલીસ ચેકપોસ્ટ પાસે આવેલી શિવશક્તિ પાનના ગલ્લા પર અનિલ અને અંકિત ભેગા થયા હતા. આ દરમિયાન અનિલે કરેલી મજાકમસ્તીમાં અંકિતને ખોટુ લાગતા તેણે જાહેરમાં અનિલને મા-બેન સમાન અપશબ્દો કહ્યા હતા જે મુદ્દે તેઓની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જાહેરમાં બધાની સામે અપશબ્દો બોલવાના મુદ્દે અનિલે તક મળે ત્યારે અંકિતને પતાવી નાખવાનો મનસુબો ઘડ્યો હતો અને ત્યારબાદ તેણે અંકિત સાથે ફરી મિત્રતાનો ઢોંગ કરીને તેને બુધવારની સાંજે પોતાની સાથે કારમાં બેસાડીને નીકળ્યો હતો અને ત્યારબાદ રસ્તામાં અનિલે સગીર અંકિતને ચાકુના ઘા ઝીંકી તેની હત્યા કરી હતી અને તેના બે સાગરીતોની મદદથી અંકિતની લાશને દેણા ગામ પાસે રોડની સાઈડની ગટરમાં ફેંકી તેઓ ફરાર થયા હતા.