અમદાવાદ-

દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજ એટલે કે આઈઆઈટી અને એનઆઈટી માં પ્રવેશ માટે લેવામાં આવતી જેઈઈ એટલે કે જાેઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામનું પરિણામ જાહેર થયું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી મારફતે ૨૪ થી ૨૬ ફેબ્રુઆરીથી સુધી આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરમાંથી ૬.૫ લાખ જ્યારે રાજ્યમાંથી અંદાજે ૩૦ હજાર જેટલા એ ગ્રુપના વિદ્યાર્થીઓએ જેઈઈની મુખ્ય પરીક્ષા આપી હતી. જે પૈકી દેશભરમાંથી ૬ વિદ્યાર્થીઓ એવા છે, કે જેમને ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવ્યા છે, જેમાં અમદાવાદ અનંત કીદામ્બીનો સમાવેશ થાય છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જારી કરેલ યાદીમાં દેશભરના કુલ ૪૧ ટોપર્સનો સમાવેશ થાય છે. જેમાં અનંત કીદામ્બીનો દેશના ટોપ ૬ વિદ્યાર્થીઓનોમાં શમાવેશ થાય છે, જ્યારે ગુજરાતમાં પહેલો નંબર મેળવ્યો છે.

અત્યાર સુધી વર્ષમાં બે વાર જેઈઈની પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હતું, પરંતુ આ વખતે પહેલી વાર વર્ષમાં ચાર વાર જેઈઈ મુખ્ય પરીક્ષા લેવાનાર છે. જે પૈકી પહેલી પરીક્ષા ફેબ્રુઆરીમાં લેવાઈ, આગામી પરીક્ષા માર્ચ, એપ્રિલમાં લેવાશે. મે મહિનામાં દેશના અલગ અલગ બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ ચોથી વાર જેઈઈની મુખ્ય પરીક્ષા લેવાશે. આ ૪ પરીક્ષા પૈકી વિદ્યાર્થીનું જે પરીક્ષામાં સર્વોચ્ચ પરિણામ આવે તે માન્ય રાખવામાં આવે છે. વિદ્યાર્થીઓ સારું પરિણામ મેળવી શકે અને ગમતી આઈઆઈટી કે એનઆઈટીમાં પ્રવેશ મેળવી શકે તે માટે પહેલીવાર વિદ્યાર્થીઓ ૪ વાર પરીક્ષાના વિકલ્પ આપવામાં આવ્યો છે, એટલે કે જાે કોઈ વિદ્યાર્થીનું પરિણામ નબળું આવે તો તે ફરી વાર પરીક્ષા આપી શકે અને સારું પરિણામ લાવી શકે.

ચાર તબક્કામાં મુખ્ય પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓનું એક કોમન મેરિટ બનશે, જેના આધારે અંદાજે બે લાખ ૪૦ હજાર વિદ્યાર્થીઓને જેઇઇ એડવાન્સ પરીક્ષાની તક આપવામાં આવશે, જે પાસ કરી તેઓ દેશની પ્રતિષ્ઠિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ મેળવી શકે.