વડોદરા, તા.૩

વૃક્ષો પ્રત્યેની પોતાની જવાબદારીનું દર્શાવવા માટે વડોદરા ની સંત કબીર ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ ના વિદ્યાર્થીઓએ રક્ષાબંધન ની અનોખી ઉજવણી કરી હતી. એક તરફ જયારે કોરોના સંક્રમણ ને કારણે સ્કૂલ બંધ છે ત્યારે વિદ્યાર્થીઓએ વૃક્ષોને હંમેશા રક્ષણ આપવાના વચન સાથે રાખડી બાંધી હતી.

આ વિષે વધુ માહિતી આપતા પર્યાવરણ ના શિક્ષક હિતાર્થ પંડ્યા એ જણાવ્યું હતું કે ગત વર્ષે પણ વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિ કરી હતી પરંતુ આ વખતે પરિસ્થિતિ ઘણી વિપરીત હતી. કોરોના ના વધતા જતા કેસ ના કારણે ખુબજ સાવચેતી રાખવાની જરૂર હતી છતાં પણ વિદ્યાર્થીઓએ પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારીનું વહન કર્યું હતું. પરિસ્થિતિને ધ્યાન માં રાખી ને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે કોઈ વિદ્યાર્થી એ વાલી ની સહમતી વિના ઘર ની બહાર ના નીકળવું અને ઘરમાં જ ઉગેલા વૃક્ષ કે છોડ ને રાખડી બાંધી પોતાની ભાવનાઓ વ્યક્ત કરવી.

આ અભિયાન માં લગભગ ૨૦૦ વિદ્યાર્થીઓ જોડાયા હતા.સંત કબીર સ્કૂલ ના વિદ્યાર્થીઓ દરેક ઉત્સવને પર્યાવરણ ને ધ્યાન માં રાખી ને ઉજવે છે. આ વખતે પણ વિદ્યાર્થીઓએ વૃક્ષો અને છોડ ને રાખડી બાંધીને પોતાની પર્યાવરણ પ્રત્યેની જવાબદારીઓ નું દર્શન કરાવ્યું છે, શાળાના પ્રિન્સિપાલ અંજલિ મહાજને જણાવ્યું હતું.

આટલું જ નહિ ધોરણ ૮ ના વિદ્યાર્થીઓએ એક વિડિઓ પણ બનાવ્યો હતો. તમામ વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે આ વખતે રક્ષા બંધન ની ઉજવણી કાઇંક અલગ રીતે કરીયે. બધા વિદ્યાર્થીઓએ પોતાના ડાન્સ ના વિડિઓ મોકલ્યા હતા અને તેને એડિટ કરીને એક વિડિઓ બનાવવામાં આવ્યો હતો.