વડોદરા -

વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના થર્ડ યરની ઓનલાઈન પરીક્ષા તારીખ ૩૦ થી તારીખ ૮મી સુધી થવાની છે ત્યારે વિદ્યાર્થીઓને આપવામાં આવેલી હોલ ટિકિટના કોડ નંબર અને વિષયમાં ગોટાળા સર્જાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે અને આ અંગે યુનિવર્સીટી દ્વારા જાહેર કરવામાં આવેલી હેલ્પલાઇન પર ફરિયાદ કરવા જતા વિદ્યાર્થીઓને કોઈ સંતોષકારક જવાબ પણ મળ્યો ન હતો. એમ.એસ.યુનિવર્સિટીની ટીવાય બીકોમ ની ઓનલાઈન પરીક્ષા આવતીકાલથી શરૂ થઇ રહી છે. જે અંગે વિદ્યાર્થીઓએ ઓનલાઈન હોલ ટિકિટ મેળવી હતી. આ હોલ ટિકિટમાં વિદ્યાર્થીઓએ પસંદ કરેલા સબ્જેક્ટને બદલે અન્ય સબ્જેક્ટ આવ્યા હોવાથી વિદ્યાર્થીઓ વિમાસણમાં મુકાઇ ગયા છે. 

વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળ્યા પછી કોઈ વિદ્યાર્થીને બે સબ્જેક્ટમાં ખોટા કોડ મળ્યા હોય અથવા તો કોઈ વિદ્યાર્થી અને ચાર સબ્જેક્ટમાં ખોટા મળ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. આવતીકાલથી શરૂ થતી ટી વાય બી કોમ પરીક્ષામાં જે વિદ્યાર્થીએ અગાઉથી જે સબ્જેક્ટ પસંદ કર્યા હોય તે સબ્જેક્ટ ને બદલે બીજા સબ્જેક્ટનુ પેપર ઓનલાઇન થશે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. જે સબ્જેક્ટ પસંદ કર્યો હોય તેની કીનો નંબર ખોટો આપવામાં આવ્યો છે. જેથી વિવાદ સર્જાયો છે.

પીએચડીના મોક ટેસ્ટમાં પણ છબરડા જોવા મળ્યા

એમ.એસ.યુનિવર્સીટી દ્વારા આગામી ૩જી ઓક્ટોબરના રોજ પી,એચડીની એન્ટ્રન્સ ટેસ્ટ યોજાનાર છે. આ એન્ટ્રન્સ ટેસ્ટ અગાઉ આજે વિદ્યાર્થીઓ માટે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાજર વિદ્યાર્થીઓને પણ વિવિધ અડચણોનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક લોગીન કરી શક્ય ન હતા. જ્યારે, કેટલાક વિદ્યાર્થીઓને લોગીન કર્યા બાદ પરીક્ષામાં પ્રવેશ કરવા મળ્યો ન હતો.