દિલ્હી-

ભારતમાં બની રહેલી કલવરી ક્લાસની ત્રીજી સબમરીન આઈએનએસ કરંજના ચારથી પાંચ મહિનામાં નૌસેનામાં સામેલ થવાની સંભાવના છે. કરંજને 2018માં સમુદ્રના પરીક્ષણો માટે મોકલવામાં આવી હતી અને સૂત્રો અનુસાર આ પરીક્ષણ સફળ થયા છે. આ ક્લાસની ચોથી સબમરીન આઈએનએસ વેલા પણ આગામી વર્ષના અંત સુધી નૌસેનામાં સામેલ થઈ જશે.

કલવરી ક્લાસની પહેલી બે સબમરીન કલવરી અને ખંડેરી પહેલા જ નૌસેનામાં સામેલ થઈ ચૂકી છે. કલવરી ક્લાસની કુલ ૬ સબમરીનનું નિર્માણ મુંબઈના મઝગાંવ ડૉક લિમિટેડમાં કરવામાં આવી રહ્યું છે. આ સબમરીન સમુદ્રમાં 50 દિવસ સુધી રહી શકે છે અને એકવારમાં 12000 કિમી સુધીની યાત્રા કરી શકે છે. જેમાં 8 ઓફિસર અને 35 નૌસૈનિક કામ કરે છે અને આ સમુદ્રની અંદર 350 મીટર સુધી ડાઈવ લગાવી શકે છે.

કલવરી ક્લાસની સબમરીન સમુદ્રની અંદર 37 કિમી પ્રતિ કલાકની ગતિથી ચાલી શકે છે. જેમાં સમુદ્રની અંદર કોઈ સબમરીન અથવા સમુદ્રની સપાટી પર કોઈ જહાજને તબાહ કરવા માટે ટોરપિડો હોય છે. આ સિવાય, આ સમુદ્રમાં લેન્ડમાઇન્સ પણ બિછાવી શકે છે. ભારતીય નૌસેનાએ 1997માં સબમરીન બેડાને તાકાતવર બનાવવા માટે એક મોટી યોજના બનાવી હતી. આ અંતર્ગત 2024 સુધી નવી ૨૪ સબમરીન બનાવવાની યોજના હતી પરંતુ આ યોજના હજુ સુધી સમયથી પાછળ ચાલી રહી છે. કલવરી ક્લાસ એટલે પ્રોજેક્ટ 75 હેઠળ પહેલી સબમરીન ૨૦૧૭માં નૌસેનામાં સામેલ થઈ છે. આ પ્રોજેક્ટના હજુ 2022 સુધી પૂરી થવાની સંભાવના છે. 

એર ઈન્ડિપેન્ડેન્ટ પ્રોપેલ્શનથી લેસ વધારે આધુનિક સબમરીનનો પ્રોજેક્ટ જલ્દી શરૂ થવાની આશા છે. આ પ્રોજેક્ટ માટે જલ્દી જ ટેન્ડર નીકળવાનુ છે. આ ૧૨ સબમરીન સિવાય ૧૨ ન્યુક્લિયર સબમરીન બનાવવાની ભારતની યોજના છે.