આણંદ : પેટલાદના પૂર્વ સીઓ અને હાલમાં જ ઝાલોદના ચીફ ઓફિસરના પદ પરથી સસ્પેન્ડ કરાયેલાં હિરલબેન ઠાકરના કેસમાં પેટલાદ નગરમાં ચૂંટણીટાણે માહોલ ગરમાયો છે. પેટલાદમાં ચાલતી ચર્ચાઓ મુજબ, હિરલબેન ઠાકરને સસ્પેન્ડ કરવામાં ક્યાંક કાચું કપાયું હોવાની શંકા છે.

એક ચર્ચા મુજબ, કોઈ અધિકારીને સસ્પેન્ડ એટલે કરાય કે એ જે કચેરીમાં હોય ત્યાં રેકર્ડ સાથે, સાક્ષી સાથે ચેડાં ન કરે, પણ પેટલાદ નગરપાલિકાના પ્રકરણમાં હિરલબેન ઠાકરને સસ્પેન્ડ કરવાના કિસ્સામાં ઘણાં બધા સવાલો ઊઠી રહ્યાં છે! પહેલો સવાલ - પેટલાદનું પ્રકરણ હિરલબેનને ઝાલોદ ટ્રાન્સફર કરાયાં પછી કેમ શરૂ કરવામાં આવ્યું હતું? બીજાે સવાલ - જ્યારે કોઈ અધિકારી પ્રકરણ કચેરીથી ૨૦૦ કિલોમીટર દૂર હોય ત્યારે ચેડાં થવાનો પ્રશ્ન જ ક્યાં હતો કે એમને સસ્પેન્શન હેઠળ મૂકવા પડે!? રાજકીય ઈશારે લખાયેલાં સસ્પેન્શન ઓર્ડરમાં પણ કેવી બેદરકારી દર્શાવી છે તે ઓર્ડરની પાંચમી-છઠ્ઠી લિટીમાં સ્પષ્ટ દેખાય છે! એક તરફ ‘ટાઉનહોલ બનાવવાની કામગીરીમાં આચરવામાં આવેલ ગેરરીતિ સંદર્ભમાં શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરવાની બાબત વિચારણાં હેઠળ છે,’ એવું લખવામાં આવ્યું તો બીજી લાઈનમાં ‘ખાતાકીય તપાસ શરૂ કરાયેલ છે’, એવું સ્પષ્ટ લખાયેલું છે. અહીં એવો મતલબ કાઢી શકાય કે - સરકાર જે બાબત વિચારણા હેઠળ છે એટલે કે, શરૂ નથી થયેલ અને બીજી લાઈનમાં તપાસ શરૂ થયેલ છે, એવું જણાવવામાં આવ્યું છે! તો વિચારણા હેઠળ શું છે? વધુમાં સસ્પેન્શન ઓર્ડરમાં કેટલાં રૂપિયાની ગેરરીતિ થઈ એ બાબત નથી દર્શાવી! કેમ? કારણ કે, જેમાં એક રૂપિયાનું ચુકવણું જ નથી થયું તેમાં આંકડો ક્યાંથી પડે? હજી તો હમણાં જ પેટલાદના નગરજનોના જાહેર આરોગ્ય અને સુખાકારી માટે તત્કાલીન ચીફ ઓફિસર હિરલબેન ઠાકરનાં પ્રયત્નો અને નગરજનોના સાથ સહકારથી પેટલાદ સમગ્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશ આખામાં ગૌરવવાન્વિત થયું હતું. સ્વચ્છતા અભિયાન હોય કે પછી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો વિષય હોય કે પછી ગરીબ મહિલાઓને સન્માનપૂર્વકની આજીવિકા મેળવવાનો પ્રશ્ન હોય, દરેક વખતે શહેરીજનોના સહકારથી તત્કાલીન ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે સફળતા મેળવી હતી. વહીવટી સૂઝબૂઝથી આર્થિક કંગાળ પેટલાદ પાલિકાને ર્સ્વનિભર - આર્ત્મનિભર બનાવવા વેસ્ટમાંથી બેસ્ટ પ્રોજેક્ટ અને સોલાર પ્રોજેક્ટ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ઉકરડા એકત્રીકરણ કરીને તેમાંથી બાયોગેસ પ્રોજેક્ટ કરવાની વાત હોય સતત માત્ર શહેરના હિતમાં કામ કરતાં લોકચાહના મેળવતાં ચીફ ઓફિસર કેટલાંક સ્થાપિત હિતોને ખૂંચતા હતાં. ખોટું કરીશ નહીં અને ખોટું કરવા દઈશ નહીં, એ નીતિ પેટલાદના કેટલાંક ઠેકેદારોને પસંદ આવી નહોતી. તાજેતરમાં એક ધાર્મિક ટ્રસ્ટ દ્વારા પાલિકાની પચાવી પાડેલ કરોડોની કિંમતની જમીનના દબાણ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. એ પછી વોર્ડ સીમાંકનથી અમુક નેતાઓ કટ ટુ સાઇઝ થઈ જવા પામ્યાં હતાં. આ અધિકારીના કારણે આ નેતાઓની રાજકીય કારકિર્દીનું અચ્યુતમ કેશ્વમ થવાની ઘડીઓ ગણાય રહી હતી, જેનાં કારણે આખરે આ નેતાઓએ કુટિલ ચાલ રમી તેઓની બદલી કરાવવા ધમપછાડા કર્યા હતાં. નજીકના ભવિષ્યમાં પાલિકાની ચૂંટણી હતી, બોર્ડ કબજે કરવા સ્થાનિક નેતાઓએ નાક દબાવવાની કોશિશ કરી હતી, જેમાં તેઓ સફળ પણ થયાં હતાં. એક એવી પણ ચર્ચા છે કે, પેટલાદમાં વર્ચસ્વ જમાવવા મથતાં બે નેતાઓની આંતરિક લડાઈનો ભોગ મહિલા ચીફ ઓફિસર બન્યાં છે!