કાબૂલ-

વિદેશી સૈનિકો તરફથી દાયકાઓ સુધી તાલીમ લેવા છતાં અફઘાનિસ્તાનની સેના આજે તાલિબાન સમક્ષ નબળી પડી રહી હોય એવું લાગી રહ્યું છે. તાલિબાને દેશના ૮૫ ટકા ભાગ પર કબજાે કર્યો હોવાનો દાવો કર્યો છે. તાલિબાનની નજર હવે રાજધાની કાબુલ પર છે, જ્યાં લોકો પોતાનો જીવ બચાવવા ભાગી રહ્યા છે. દરમિયાન પાકિસ્તાની પત્રકાર મોહિબુલ્લાહ ખાને દાવો કર્યો હતો કે તાલિબાને લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. પત્રકારે એનાં પરીક્ષણનો વીડિયો પણ શેર કર્યો હતો.

આ વીડિયોમાં મિસાઇલનું પરીક્ષણ જાેઈ શકાય છે. મોહિબુલ્લા ખાને પોતાના ટ્‌વીટની કેપ્શનમાં આ મિસાઇલનું નામ પણ આપ્યું હતું. તેમણે લખ્યું હતું કે 'તાલિબાને લાંબા અંતરની નવી બેલિસ્ટિક મિસાઇલ અલ-ફતાહનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.' જાેકે મિસાઇલ તાલિબાન સુધી કેવી રીતે પહોંચી અને કયા દેશે તેની મદદ કરી છે એ અંગે ખાસ કંઈ જાણકારી આપવામાં આવી નથી, પરંતુ એનું સફળ પરીક્ષણ અફઘાનિસ્તાન સરકાર માટે મોટી સમસ્યાથી ઓછું નથી.

તાલિબાન વિશ્વભરમાં પોતાની તાકાત બતાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને આજકાલ મિસાઇલ-રોકેટનો આશરો લઈ રહ્યું હોય તેવું લાગે છે. બે દિવસ પહેલાં અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ નિવાસસ્થાન નજીક રોકેટદ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. મંગળવારે જ્યારે રાષ્ટ્રપતિ ઈદની નમાજ અદા કરી રહ્યા હતા ત્યારે લગભગ ત્રણ રોકેટ ત્યાં છોડવામાં આવ્યાં હતાં. આંતરિક મંત્રીના પ્રવક્તાએ આ કેસમાં જણાવ્યું હતું કે કોઈ જાનહાનિના અહેવાલો નથી અને રોકેટ નિવાસસ્થાનની બહાર આવીને પડ્યાં હતાં. સંગઠને અમાક ન્યૂઝ ચેનલ પર હુમલાની જવાબદારી સ્વીકારી હતી.