ભરૂચ-

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના પદ્માવતીનગરમાં આવેલી સરસ્વતી વિદ્યામંદિર શાળા દ્વારા હાલ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે, જેના માટે એક વ્હોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. આ ગ્રુપમાં આજે સવારે શાળાના શિક્ષકે અશ્લીલ વિડિયો પોસ્ટ કર્યાં હતા. આ વિડિયો જોતાંની સાથે જ વાલીઓ રોષે ભરાયા હતા અને મોટી સંખ્યામાં તેઓ સ્કૂલમાં દોડી ગયા હતા અને સ્કૂલમાં જઇને હોબાળો મચાવ્યો હતો અને અશ્લીલ વિડિયો પોસ્ટ કરનાર શિક્ષકને મેથીપાક ચખાડ્યો હતો. આ મામલે કડક કાર્યવાહી કરવાની માગ વાલીઓએ પ્રિન્સિપાલ સમક્ષ કરી હતી. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર GIDC પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને વ્હોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વિડિયો પોસ્ટ કરનાર શિક્ષકની અટકાયત કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. શિક્ષકને સજા થવી જોઇએ અને આ પ્રકારની ઘટના ફરી ન થવી જોઇએ – વાલીની માંગ

વિદ્યાર્થીના વાલી ગણેશ ઓઝાએ જણાવ્યું હતું કે ધો-9 અને ધો-10ના ઓનલાઇન ક્લાસના ગ્રુપમાં ખરાબ વિડિયો-ફોટો આવ્યાં હતાં, જેને લઇને આજે અમે સ્કૂલમાં દોડી આવ્યા હતા અને શિક્ષકને માર્યો હતો અને પોલીસ આવી શિક્ષકને લઇ ગઇ છે. સ્કૂલ મંદિર સમાન છે, અહીં માથું ઝુકાવવાનું હોય, અહીં માથું ઊંચકીને ખરાબ કામ થયું છે. શિક્ષકનું કામ બાળકોને સુધારવાનું હોય છે, પણ અહીં તો બગાડવાનું કામ થાય છે. આ શિક્ષકને સજા થવી જોઇએ અને આ પ્રકારની ઘટના ફરી ન બનવી જોઇએ.