વડોદરા : સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમને લઈને વડોદરા પોલીસની ટીમ બાયરોડ અત્રે લઈને આવવા શુક્રવારે સવારે લખનૌથી લઈ રવાના થઈ ચૂકી છે જે શનિવાર બપોર સુધીમાં અહીં આવી પહોંચશે. યુ.પી. એટીએસ દ્વારા ધર્માંતરણના મામલે ઉમર ગૌતમને ઝડપી પાડયા બાદ એને ફન્ડિંગ કરનાર સલાઉદ્દીનને પણ વડોદરા આવીને ઝડપી લીધો હતો. ત્યાર બાદ લખનૌ અદાલતમાંથી રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી હતી. દરમિયાન શહેર પોલીસે પણ સલાઉદ્દીન શેખ દ્વારા વિદેશોમાંથી સહાયના નામે મોટી રકમ હવાલા મારફતે મેળવી એનો ઉપયોગ દેશવિરોધી પ્રવૃત્તિઓ અને મસ્જિદો બનાવવામાં કરાતો હોવાનું શોધી કાઢી અલગથી ગુનો નોંધ્યો હતો અને મુસ્લિમ મેડિકલ સેન્ટરના સુપરવાઈઝરની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા.

શહેર પોલીસ દ્વારા પેનડ્રાઈવની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં સલાઉદ્દીનનો બધો હિસાબ હતો, પરંતુ એ પેનડ્રાઈવમાં કોમ્પ્યુટરમાંથી જ ડેટા ટ્રાન્સફર કરાયો હતો અને એ કમ્પ્યૂટરની હાર્ડડિસ્ક યુ.પી. એટીએસ લઈ ગઈ હોવાથી એ હિસાબોની વિગતો શહેર પોલીસ મેળવી જ લેશે એમ સૂત્રોએ જણાવ્યું છે. દરમિયાન ટ્રાન્સફર વોરંટ લઈ લખનૌ પહોંચેલી શહેર પોલીસની ટીમ ઉમર ગૌતમ અને સલાઉદ્દીન શેખને લઈને વડોદરા આવવા રવાના થઈ ચૂકી છે, જે શનિવાર બપોર સુધીમાં અહીં આવી પહોંચશે. બંને આરો૫ીઓને સૌ પ્રથમ અદાલત સમક્ષ રજૂ કરવામાં અવશે. ત્યાર બાદ કોર્ટ દ્વારા આરોપીઓને પોલીસના હવાલે કરાશે અને રિમાન્ડ મેળવી બંનેની સઘન પૂછપરછ કરવામાં આવશે. એ દરમિયાન અનેક મોટા માથાઓની સંડોવણી અંગેની ચોંકાવનારી માહિતીઓ બહાર આવવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. દરમિયાન સીમી સાથે સંકળાયેલા ચાર જણાની પૂછપરછ ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.