અમદાવાદ,તા.૧૬  

 કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ ફરી એકવાર આવતીકાલે શુક્રવારે ગુજરાતની મુલાકાતે આવી રહી છે. ગુજરાતની કોરોના મુદ્દે સતત વણસી રહેલી સ્થિતિના કારણે કેન્દ્ર સરકાર દ્વારા ફરી એકવાર ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે. દિલ્હીથી ચાર સભ્યોની ટીમ ગુજરાતના કોરોનાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે.ટીમ રાજ્ય સરકાર દ્વારા થઇ રહેલી કોરોના અંગેની કામગીરીનું અને અમદાવાદ અને સુરતની વણસી રહેલી પરિસ્થિતિને ધ્યાને રાખીને આ બંન્ને શહેરોની કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા પણ કરશે. કોરોનાની સમીક્ષા કરવા માટે આવનારી ટીમમાં નીતિ અયોગના સદસ્ય વિનોદ પોલ, આઇસીએમઆરના ડાયરેકટર જનરલ બલરામ ભાર્ગવ, એઇમ્સના ડિરેકટર રણદીપ ગુલેરિયા અને આર. પી. આહુજા, એડિશનલ સેક્રેટરી હેલ્થ એન્ડ ફેમિલી ડિપાર્ટમેન્ટનો સમાવેશ કરાયો છે. ચાર સભ્યોની ટીમ સુરત અને અમદાવાદ શહેરના કન્ટેનમેન્ટ વિસ્તારોની સ્થળ તપાસ કરીને બન્ને શહેરોમાં આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓનો તાગ મેળવશે. આ ઉપરાંત જો કોઇ સુધારો વધારો હોય તો તે અંગે પણ સૂચન કરશે. કોરોના સંક્રમણની સ્થિતિને કાબૂમાં લેવા માટેના પગલા રૂપે ધન્વંતરી રથની કામગીરીની સમીક્ષા કરશે.