મહુધા : મહુધાના કડીમા રવિવારે બપોરના ૧૨ વાગ્યાની આસપાસ મિત્રો સાથે ન્હાવા પડેલો સ્થાનિક કિશોર ડૂબી ગયાંની ઘટનાના ૨૪ કલાક ઉપરાંતનો સમયગાળો વિતવા છતાં હજુ સુધી તેની ભાળ મળી નથી. આખરે નડિયાદની ફાયરબ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. 

સૂત્રોના જણાવ્યાં મુજબ, કડી ખાતે રવિવારની બપોરના યુવરાજ સોઢા પરમાર નામનો કિશોર પોતાના મિત્રો સાથે ગામને અડીને પસાર થતી મ્હોર નદીમાં ન્હાવા પડ્યો હતો. જ્યાં અચાનક નદીના ઊંડા વહેરામાં તે ગરકાવ થઈ જતાં પહેલાં સ્થાનિક તરવૈયાઓએ કિશોરને શોધી કાઢવા નદીનો પટ ખુંદી વળ્યાં હતાં. એ પછી આસપાસના તાલુકાઓના તરવૈયાઓના સહયોગથી નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. એટલું જ નહીં, પરંતુ કડી બાદના આગળના ગામેથી પસાર થતી નદીમાં પણ સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મોડી સાંજ સુધી કિશોરની ભાળ ન મળતાં આખરે સોમવારના રોજ નડિયાદ ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી. સમગ્ર ઘટનાને પગલે મહુધા વહીવટી તંત્ર સહિત ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર પણ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં. સ્થાનિક ધારાસ્ભ્ય દ્વારા નદીમાં ડૂબી જનારા કિશોરના પરિવારને સાંત્વના આપી કિશોરની શોધખોળ માટે મામલે ખેડા કલેક્ટર આઇ.કે.પટેલને એનડીઆરએફની ટીમ બોલાવવા ભલામણ કરી હતી. હાલ સોમવારની નમતી સાંજ સુધી ડૂબી ગયેલાં કિશોરની કોઇ ભાળ ન મળતાં પરિવારજનોમાં ચિંતાનો માહોલ જાેવા મળ્યો હતો.