અમદાવાદ-

 શિવરાત્રિ પછી ગણતરીના દિવસોમાં જ ઠંડીએ વિદાય લઇ લીધી હોય તેમ સતત મહત્તમ અને લઘુતમ તાપમાન વધી રહ્યું છે. ઘણા દિવસોથી ઠંડીની નહીંવત અસર વર્તાઇ રહી છે. બપોરે તો મહત્તમ તાપમાનનો પારો ૩૮ ડિગ્રીની ઉપર પહોંચી જતા પંખાનો સહારો લેવો પડે છે. આજે સિઝનમાં પહેલીવાર અમદાવાદ અને ગાંધીનગરનું મહત્તમ તાપમાન અનુક્રમે ૩૯.૨ અને ૪૦ ડિગ્રીએ પહોંચી જતા બપોરે સખ્ત ગરમીનો અહેસાસ થયો હતો. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, ગીર-સોમનાથમાં હીટવેવને કારણે કાળઝાળ? ગરમી પડવાની વકી છે.

છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના શહેરના મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્યથી વધુ રહેતા પરોઢને બાદ કરતા દિવસભર ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. જેથી હવે ઉનાળાનું આગમન થઇ ગયું છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરના મહત્તમ તાપમાન છેલ્લા ઘણા દિવસથી ૩૮ ડિગ્રીની આસપાસ પહોંચી જતા બપોરે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે અને પંખો ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. ઉપરાંત લઘુતમ તાપમાન ૨૧ ડિગ્રીની આસપાસ રહેતા ઠંડીનો નહીંવત અહેસાસ થઇ રહ્યો છે. બીજી તરફ બપોર બાદ મહત્તમ તાપમાનો પારો ૩૮ ડિગ્રીએ પહોંચી જવાને કારણે ગરમી વર્તાઇ રહી છે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં આજ પ્રમાણે વાતાવરણનો અનુભવ થઇ રહ્યો છે. આ વખતે શિયાળો મોડો આવ્યો અને વહેલો પૂરો થઇ ગયો હોય તેમ જણાઇ રહ્યુ છે. આજે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી બે ડિગ્રી વધી સિઝનમાં પહેલીવાર ૩૯.૨ ડિગ્રીએ પહોંચી જતા બપોરના સમયે અંગ દઝાડતી ગરમીનો અહેસાસ લોકોએ કર્યો હતો. જ્યારે ૪૦ ડિગ્રી સાથે ગ્રીન સિટી ગાંધીનગર રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું હતું. આ ઉપરાંત ડીસા ૩૯.૨ ડિગ્રી, વીવી નગર ૩૭.૮, વડોદરા ૩૮.૨, સુરત ૩૬.૭, વલસાડ ૩૫, અમરેલી ૩૯, ભાવનગર ૩૬.૬, પોરબંદર ૩૭.૮, રાજકોટ ૩૮.૭, વેરાવલ ૩૭.૩, સુરેન્દ્રનગર ૩૮.૮, કેશોદ ૩૯.૨, ભૂજ ૩૮.૨ અને કંડલા એરપોર્ટનું મહત્તમ તાપમાન ૩૮.૬ ડિગ્રી નોંધાયું હતું.