દિલ્હી-

છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ સતત વધતા જાેવા મળી રહ્યાં હતાં તેમાં આજે થોડો ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૬૯,૯૨૧ નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કેસનો કુલ આંકડો ૩૬,૯૧,૧૬૭ પર પહોંચી ગયો છે. જેમાંથી ૭,૮૫,૯૯૬ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે ૨૮,૩૯,૮૮૩ લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. કોરોનાએ એક જ દિવસમાં ૮૧૯ લોકોનો ભોગ લીધો. દેશમાં કોરોનાથી મૃત્યુનો કુલ આંકડો ૬૫,૨૮૮ થયો છે.  

૨૯ ઓગસ્ટના રોજ કોરોના વાયરસના રેકોર્ડબ્રેક ૭૮,૭૬૧ નવા કેસ નોંધાયા હતાં. જાે કે રાહતની વાત એ છે કે મૃત્યુદર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મૃત્યુદર ઘટીને ૧.૭૮ થઈ ગયો. આ ઉપરાંત એક્ટિવ કેસ કે જેમની સારવાર ચાલુ છે તેમનો દર પણ ઘટીને ૨૨ ટકા થયો છે. રિકવરી રેટ એટલે કે સાજા થવાનો દર ૭૭% થયો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે.  

આંકડા મુજબ દેશમાં એક્ટિવ કેસ મામલે ટોપ પર મહારાષ્ટ્ર રાજ્ય છે. ત્યારબાદ તામિલનાડુ, ત્રીજા નંબરે દિલ્હી, ચોથા નંબરે ગુજરાત અને પાંચમા નંબરે પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસ છે. એક્ટિવ કેસ મામલે દુનિયામાં ભારતનું ત્રીજુ સ્થાન છે. કોરોના સંક્રમિતો અને મોતની સંખ્યા જાેઈએ તો ભારત દુનિયાનો ત્રીજાે સૌથી વધુ પ્રભાવિત દેશ છે. અમેરિકા અને બ્રાઝિલ બાદ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ ભારત છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ પ્રમાણે, ૩૧ ઓગસ્ટ સુધી કોરોના વાઈરસના કુલ ૪,૩૩,૨૪,૮૩૪ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૦,૧૬,૯૨૦ કોરોના ટેસ્ટિંગ ગઈકાલે જ કરવામાં આવ્યા હતા.