વડોદરા : અમેરિકી નાગરિકોને સોશિયલ સિકયુરિટીના નામે ધમકી આપી ડૉલર પડાવતા કોલ સેન્ટરો ગુજરાતમાં ઠેર ઠેર ફૂટી નીકળ્યા છે. ત્યારે અમદાવાદ ખાતે ત્રણ દિવસ અગાઉ ઝડપાયેલા કોલ સેન્ટરના તાર વડોદરા સુધી પહોંચતાં એસઓજીએ દરોડો પાડી હરણી વિસ્તારમાંથી કોલ સેન્ટર ઝડપી પાડી મુખ્ય સૂત્રધાર સહિત ૧૩ જણાને ઝડપી પાડયા છે. પોલીસે આ મામલામાં ૬.૪૨ લાખનો મુદ્‌ામાલ પણ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

સામાન્ય રીતે આફ્રિકન દેશોના લોકો દ્વારા ભારતમાં રહેતા લોકો સાથે અનેક કારણે ઠગાઇ કર્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ વડોદરામાં એક ચોંકાવવારું આંતરરાષ્ટ્રીય કૌભાંડ સામે આવ્યું છે. જેમાં વડોદરામાં બેસીને કોલ સેન્ટર ચલાવતા ગઠિયાઓ દ્વારા અમેરિકામાં રહેતા લોકોને ફોન કરવામાં આવતો હતો અને તેઓને ફોન કરીને તેમના વિરુદ્ધ ડ્રગ્સ ટ્રાફિકિંગ તથા અન્ય કેસોમાં વોરંટ ઇશ્યુ કરાવવામાં આવ્યા હોવાની ખોટી જાણકારી આપવામાં આવતી હતી. ત્યાર બાદ આ મામલાની પતાવટ માટે ૧૦૦-૫૦૦ ડૉલર પડાવવામાં આવતા હતા. શહેર એસઓજીએ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

શહેરના હરણી વિસ્તારમાં સિદ્ધેશ્વર હિલેરીયસ ખાતે જયેશન ઉર્ફે માઇક હરગુનાની રહેતો હતો. તે રેસિડેન્સીના ટાવર-સીના પ્રથમ માળે કોલ સેન્ટર ચલાવતો હતો. તે સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન નામની સંસ્થાનો ઉપયોગ કરીને અમેરિકામાં રહેતા લોકોને બોગસ ઇન્ટરનેશનલ કોલ કરતો હતો. અમેરિકામાં રહેતી વ્યક્તિ સામે ડ્રગ્સ ટ્રાફિકિંગ અથવા તો મનીલોન્ડરિંગના નામે વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યા હોવાની ખોટી માહિતી આપી તેને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.

આ મામલાની પતાવટ માટે અમેરિકામાં રહેતા લોકો પાસેથી ગીફ્ટ કાર્ડ પર ખરીદી કરાવી તેમના પાસેથી ૧૦૦-૫૦૦ ડૉલર ફી પેટે જમા કરાવવાનું કહેવામાં આવતું હતું. ત્યાર બાદ અમેરિકામાંથી મળેલા નાણાં ઇન્ડિયન કરન્સીમાં આંગડિયા પેઢી મારફતે મેળવી લેવામાં આવતા હતા. શહેર એસઓજીને આ સમગ્ર મામલે બાતમી મળતાં પીઆઇ એન.એચ.બ્રહ્મભટ્ટની આગેવાનીમાં ટીમે સ્થળ પર દરોડા પાડ્યા હતા અને ૧૩ લોકોને ઝડપી પાડ્યા હતા અને મોબાઇલ ફોન, લેપટોપ તેમજ ઇન્ટરનેટ ડિવાઇઝ મળીને રૂા. ૬.૪૨ લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં આ કોલ સેન્ટર ર૦ દિવસ અગાઉ કાર્યરત થયું હોવાનું બહાર આવ્યું છે. જ્યારે મોટાભાગના નોર્થ ઈસ્ટના ફાંફડું અંગ્રેજી બોલનાર યુવકોને ઊંચા પગારની લાલચ આપી નોકરીએ રાખવામાં આવતા હતા.

દરોડામાં ઝડપાયેલા આરોપીઓ

જયેશ ઉર્ફે માઇક કમલેશ હરગુનાની (ઉં.વ.૨૫ શ્રી સિદ્ધેશ્વર હિલેરીયસ, હરણી), ઇશ્વર કમલેશજી હરગુનાની (ઉં.વ.૧૯, શ્રી સિદ્ધેશ્વર હિલેરીયસ, હરણી), કમલેશ ગોપીચંદ હરગુનાની (ઉં.વ.૫૩, શ્રી સિદ્ધેશ્વર હિલેરીયસ, હરણી), અનુપકુમાર ઉર્ફે સેમ ચિતરંજન ભટ્ટાચાર્ય (ઉં.વ.૨૭, આસામ), વિનોદ રાજુ સાંગપલીયાંગ (ઉં.વ.૨૨, મેઘાલય), મનીષ લુમબહાદુર ક્ષેત્રી (ઉં.વ.૨૧, મેઘાલય), સોનું હીરાલાલ પાંડે (ઉં.વ.૨૭, અમદાવાદ), મીંકુકુમાર ચિતરંજન ભટ્ટાચાર્ય (ઉં.વ.૨૪, આસામ), રણજિત રાજેશ સિન્હા (ઉં.વ.૨૧, ઝારખંડ), કમલ ગોપાલ ક્ષેત્રી (ઉં.વ.૨૫, મેઘાલય), નિમિતસિંગ ગંભીરસિંગ બોહરા (ઉં.વ.૨૩, ઉત્તરાખંડ), પ્રકાશ રાજેશ સિન્હા (ઉં.વ.૨૧, ઝારખંડ) અને અવિનાશ પ્રદિપ વર્મા (ઉં.વ.૨૨,ઉત્તરપ્રદેશ)નો સમાવેશ થાય છે.

કેવી રીતે અમેરિકન લોકોને જાળમાં ફસાવતા?

બેઠેલા ગઠિયાઓ અમેરિકાની સોશિયલ સિક્યુરીટી એડમિનિસ્ટ્રેશનના નામે અમેરિકાના નાગરિકોના ડેટા વેન્ડરો પાસેથી ખરીદતા હતા. ત્યાર બાદ ઇન્ટરનેશનલ વર્ચ્યુઅલ કોલ કરવા માટે ટેક્ષનાવ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. સોફ્ટવેરનો ઉપયોગ કરીને અમેરિકામાં રહેતા લોકોના નંબર મેળવીને ઓટોડાયલર કોલ કરીને વોરંટ ઇશ્યુ થયા હોવાનું જણાવતા હતા અને તેના નિરાકરણ કરી આપવાનો વિશ્વાસ આપીને તેમની પાસેથી ગીફ્ટ કાર્ડ થકી ૧૦૦-૫૦૦ ડૉલર ફી વસૂલવામાં આવતી હતી. ગીફ્ટ કાર્ડનો નંબર અને પીન નંબર વેન્ડરોને આપીને ડૉલરમાંથી ભારતીય કરન્સીમાં નાણાં મેળવવામાં આવતા હતા.