વડોદરા, તા.૨૯

વીસીસીઆઈ એક્સપોમાં આઈ.ટી.આઈ તરસાલીના પ્રિન્સિપાલ એ.આર.શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ ટ્રેડના તાલીમાર્થીઓએ તેમની તાલીમ દરમિયાન તાલીમને અનુરૂપ વિવિધ પ્રકારના પ્રોજેક્ટ તેમજ વર્કિંગ મોડેલ બનાવી રજૂ કર્યા હતા.જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તાલીમાર્થીઓએ બનાવેલા તમામ પ્રોજેક્ટ પ્રદર્શનમાં મુક્વામા આવ્યા હતા. જેમાં ઈલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ગ્રુપના પ્રોજેક્ટ જેવા કે પાવર જનરેશનથી ડીસ્ટ્રિબ્યુશન સુધીનું મોડેલ, હાઈપાવર ઇલેક્ટ્રિસિટી જનરેશન, બાય ગાર્બેજ, રિવર પ્યોરીફાયર, સોલારથી ચાલતી ટ્રેન જેવા પ્રોજેક્ટ પ્રદર્શનમાં મુકાયા હતા. ઇન્સ્ટ્રૂમેન્ટ મિકેનિક ટ્રેડના પ્રોજેક્ટ જેવા કે ઇ. વી. એમ. મશીન, હોમ સિક્યુરિટી માટે તેમજ મિકેનિકલ ટ્રેડના વિવિધ મશીનો જેવા કે લેથ મશીન, મીલીંગ મશીન,શેપર મશીન, વેલ્ડીંગ મશીન,સી.એન.સી. મશીન વગેરે મશીનો દ્વારા વિવિધ પ્રકારની સ્કીલનો ઉપયોગ કરીને ઝડપી ઉત્પાદન ક્ષમતામાં વધારો કેમ કરવો, અન્ય ટ્રેડના વિવિધ મશીનો જેવા કે ફિટિંગ , ટર્નિંગ, વેલ્ડીંગ જાેબ આઈડિયા સાથે પ્રોજેક્ટ બનાવ્યા હતા. આ પ્રદર્શનમાં નિહાળવા આવતા લોકોને તાલીમાર્થીઓએ પ્રોજેક્ટ વિશે વિગતવાર સમજ આપી હતી.

 આ તાલીમાર્થીઓને દરેક પ્રોજેક્ટમાં ઇન્સ્ટ્રક્ટરશ્રીઓ શ્રીમતી પી.એન.શાહ,શ્રીમતી ડી.જે.કડિયા, શ્રીમતી વિ.કે.ભટ્ટ, શ્રીમતી સી.એમ.વણકર, શ્રીમતી આર.ડી.બારીયાએ તાલીમાર્થીને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.