વડોદરા

જુદી જુદી દુકાનો ઉપરથી ઘરેણાં અને મોબાઈલ ખરીદી પેટીએમ એપ્લિકેશનથી ઓનલાઈન પેમેન્ટનો મેસેજ કરાવી દુકાનદારો સાથે છેતરપિંડી કરતી ટોળકીને બાપોદ પોલીસે ઝડપી પાડી છે. પોલીસે ત્રણની ધરપકડ કરી મુખ્ય સૂત્રધારની શોધખોળ હાથ ધરી છે. પાંચ દિવસ અગાઉ આજવા રોડ ઉપર સાંઈ જ્વેલર્સની દુકાનમાં જઈ ખરીદી કર્યા બાદ રૂા.૧૬૭૦૦નું પેમેનટ પેટીએમની એપ્લિકેશનથી કર્યા બાદ દુકાનદારને મેસેજ આવ્યો હતો. પરંતુ લાંબો સમય વીતી ગયો હોવા છતાં એમના ખાતામાં રકમ ટ્રાન્સફર થઈ ન હતી. એવી જ રીતે તા.રના રોજ આજ વિસ્તારમાં આવેલી રાજ કોમ્યુનિકેશન નામની મોબાઈલ શોપમાંથી અને મા એન્ટરપ્રાઈઝ નામની મોબાઈલની દુકાનમાંથી વિવો અને ઓપો કંપનીનો મોબાઈલ ફોન ખરીદી પેટીએમ એપથી બિલ આપવાનું જણાવ્યું હતું જે અંગેનો મેસેજ આવ્યો હતો. પરંતુ બંને દુકાનદારોના ખાતામાં રૂપિયા આવ્યા ન હતા.

આ બનાવ અંગે દુકાનદારોએ ૩૮,૧૯૯ રૂપિયાની છેતરપિંડી અંગેની ફરિયાદ બાપોદ પોલીસ મથકે નોંધાવતાં પોલીસે ઈપીકો કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં અજયકુમાર પૂનમભાઈ ખાવડિયા (રહે. અકોટા), સંતોષ રમેશભાઈ કાવઠિયા (રહે. અકોટા) અને હેરિક વિષ્ણુભાઈ પંચાલ (રહે. અટલાદરા)ની ધરપકડ કરી હતી. જ્યારે સૂત્રધાર મુકેશ અશોકભાઈ પટેલિયા (રહે. તિલકનગર, ભાવનગર)ની શોધખોળ હાથ ધરી મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા.