વડોદરા : આણંદમની રામકુંજ સોસાયટીમાં રહેતા જતીનભાઈ ટેલર કારેલીબાગમાં આવેલા જલારામ ચેમ્બર્સ સ્થિત શ્રી રામપ્રકાશન નામની ઓફિસ ધરાવે છે અને જલારામ દિપ નામના મેગેઝીન બનાવવાનું કામ કરે છે. તેમની ઓફિસમાં ગત ૨૩મી તારીખની રાત્રે ત્રાટકેલા તસ્કરો બનાવટી ચાવીથી ઓફિસ ખોલીને ૧૫ હજારના લેપટોપની ચોરી કરી ગયા હતા. આ બનાવની કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન આજે કારેલીબાગ પોલીસના સર્વેલન્સ સ્ટાફને માહિતી મળી હતી કે ઉક્ત ચોરીમાં સંડોવાયેલા ત્રણ શંકાસ્પદ યુવકો એવીએટર મોપેડ પર ભૂતડીઝાંપા ગ્રાઉન્ડ પાસેથી પસાર થવાના છે. આ વિગતોના પગલે પોલીસે વોચ ગોઠવી હતી અને બપોરે શંકાસ્પદ હાલતમાં એવીએટર મોપેડ પર પસાર થઈ રહેલા ૧૯ વર્ષીય સમીર ઉર્ફ લબ્બડ ઈસ્માઈલ શેખ (આમેના ફ્લેટ, તાંદલજા હાલ રેઈનબસેરા, એકતાનગર), ૨૪ વર્ષીય મુસ્તકીમ ઉર્ફ બાબા મુસ્તાકભાી મલેક (રેઈનબસેરા, બાવનચાલ હાલ નાગરાવાડા કિશોરકાકા બિલ્ડીંગ) અને ૨૫ વર્ષીય આકાશ ઉર્ફ જફર ગોપાલભાઈ કહાર (શિવમાલા એપાર્ટમેન્ટ, પીરામીતાર રોડ, રાવપુરા)ની અટકાયત કરી હતી. પ્રાથમિક પુછપરછમાં આ ત્રિપુટીએ ઉક્ત ઓફિસ ઉપરાંત તુલસીવાડી વિસ્તારમાં આવેલા એક પ્રોવિઝન સ્ટોરમાં પણ બે દિવસ અગાઉ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેેઓની પાસેથી દુકાનમાંથી ચોરી કરેલા રોકડા ૮ હજાર, બિડી, સિગારેટ, પડીકી, તેલ, સાબુ અને ટુથપેસ્ટનો જથ્થો, ઓફિસમાંથી ચોરી કરેલું લેપટોપ તેમજ ચોરી કરવા ઉપયોગમાં લીધેલું એક્ટિવા મોપેડ,બે મોબાઈલ ફોન અને તાળાં શટર તોડવા ઉપયોગમાં લીધેલા સાધનો સહિત કુલ ૬૭,૧૮૪ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.