વડોદરા, તા.૧૬

વડોદરા શહેર નજીક મંજુસર એચપી પેટ્રોલિયમ કોર્પોરેશન ડેપોમાંથી પેટ્રોલ-ડીઝલનો જથ્થો ભરીને આણંદ-ચિખોદરા પેટ્રોલ પંપ ખાતે ડિલિવરી આપવા નીકળેલ ટેન્કરનો ચાલક અને ક્લિનર ને.હા. નં.૪૮ ઉપર આવેલ ઘડિયાળી બાવાની દરગાહ સામે ફાજલપુર પંચાયત ખરાબાવાળી પડતર જમીનમાં ગણરાજ કોલ્ડ સ્ટોરેજની ગલીમાં પેટ્રોલ-ડીઝલની ચોરી કરતાં પીસીબીની ટીમે બાતમીના આધારે ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા. તેમની પાસેથી ચોરી માટેના કારબા, પાઈપ, ચોરી કરેલ પેટ્રોલ-ડીઝલનો જથ્થો અને ટેન્કર મળી કુલ રૂા.ર૪.રર લાખનો મુદ્‌ામાલ જપ્ત કર્યો હતો.

આ અંગે મળતી વિગત અનુસાર આણંદના બાકરોલ ગામે રહેતો અને ટેન્કરના ડ્રાઈવર તરીકે નોકરી કરતો શનિયા જનિયા રાઠવા (ઉં.વ.૪૮) અને ક્લિનર જિજ્ઞેશ રમેશભાઈ પરમાર (રહે. મોગર, આણંદ)ના તથા સુનીલ રામસિંગ રાઠોડ (રહે. રાયકા, નંદેસરી ચોકડી) આ ત્રિપુટી ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરીનું નેટવર્ક ચલાવતી હતી. ત્રિપુટી મંજુસર ડેપોમાંથી એચ.પી. પેટ્રોલિયમ ડેપોમાંથી ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલનો જથ્થો ભરીને આણંદના ચિખોદરા ખાતે ડિલિવરી આપવા માટે ટેન્કર લઈને નીકળી હતી, એ દરમિયાન ને.હા. નં.૪૮ ઘડિયાળી બાવાની દરગાહ પાસે ગણરાજ કોલ્ડ સ્ટોરેજની ગલીમાં ટેન્કર ઊભી રાખી સીલપેક ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી કરતી કરતી હતી, જેની બાતમી પીસીબીના પો.કો. દિનેશભાઈને મળી હતી. આ બાતમીના આધારે પીસીબી પીઆઈ જે.જે.પટેલના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સ્થળે પોલીસે રેડ કરી ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલની ચોરી કરતા ટેન્કરચાલક શનિયા રાઠવા, ક્લિનર જિજ્ઞેશ પરમાર અને ચોરીનો માલ લેવા આવેલ સુનીલ રાઠોડ ઝડપાઈ ગયા હતા. પોલીસે આ ત્રિપુટીની ધરપકડ કરી પાંચ કારબા, પાઈપ, ચોરીનો પેટ્રોલ-ડીઝલનો જથ્થો અને ટેન્કર, કાર સહિત કુલ રૂા.ર૪.રર લાખનો મુદ્‌ામાલ જપ્ત કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.