વડોદરા, તા.૨૯

એરફોર્સના ટેકનિકલ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી એક્ટિવા પર પોતાની ફરજ પર જઈ રહ્યા હતા ત્યારે ખોડિયારનગર વૈકંુઠ સોસાયટીના ગેટ પાસે ટ્રકચાલકે અડફેટમાં લેતાં તેનો હાથ કપાઈ ગયો હતો અને ગંભીર ઈજાઓ થઈ હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અકસ્માત સ્થળેથી ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી ટ્રકચાલકની શોધખોળના ચક્રો ગતિમાન કર્યાં છે. આ અંગે મળતી વિગત અનુસાર મૂળ રાજસ્થાનના અરવલ્લીના વતની અને હાલ દરજીપુરા એરફોર્સ ક્વાર્ટર્સમાં રહેતો હરિહંસરાવ કિશનરાવ યાદવ (ઉં.વ.૩૧) એરફોર્સના ટેકનિકલ વિભાગમાં ફરજ બજાવે છે. તે આજે બપોરના સમયે એક્ટિવા લઈ ફરજ પર જઈ રહ્યો હતો ત્યારે ખોડિયારનગર વૈકુુઠ સોસાયટીના ગેટ પાસે ટુરબો ટ્રકના ચાલકે અડફેટમાં લીધો હતો. તે એક્ટિવા પરથી રોડ પર પટકાતાં ટ્રકના વ્હીલ હાથ અને પગ ઉપર ફરી વળતાં તેનો એક હાથ કપાઈ ગયો હતો, જ્યારે પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવને પગલે રાહદારીઓ તેમજ અન્ય વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. તેને સારવાર માટે ૧૦૮ મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માત બાદ ટ્રકચાલક ટ્રકને ઘટનાસ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ટ્રકચાલકની શોધખોળના ચક્રો ગતિમાન કર્યાં છે.