વડોદરા, તા.૩

કલાકાર અને સંગીતકાર તરીકે સ્વ. મહારાજા રણજિતસિંહ અભિનવ ચેતના ધરાવતા હતા. તેમના આ ચૈતન્યની ઉજવણી આ મહોત્સવ દ્વારા કરવામાં આવે છે. રાજમાતા શુભાંગિનીદેવી, મહારાજા સમરજિતસિહ અને મહારાણી રાધિકા રાજે જેઓ ગાયકવાડ રાજ ઘરાનાની કલાને પીઠબળ આપવાની પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. તેમની પરીકલ્પના અને પહેલ હેઠળ આ મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમ અંગે મહારાણી રાધિકા રાજે ગાયકવાડે જણાવ્યું હતું કે, મહારાજા સયાજીરાવ તૃતીયની જેમ જ મહારાજા સ્વ. રણજિતસિંહ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા અને નીવડેલા કલાકાર, ગાયક, રમતવીર અને નેતા તરીકે તેઓ પ્રસ્થાપિત થયા હતા. દિગ્ગજ કલાગુરુ એન.એસ.બેન્દ્રે, કે.જી.સુબ્રમણ્યન અને શંખો ચૌધરી પાસે તાલીમ પામેલા મહારાજા રણજિતસિંહ સાવ અલગ શૈલીના કલાકાર તરીકે ઊભર્યા હતા અને કલા પ્રત્યે અનોખી સંવેદના ધરાવતા હતા. તેમને ભારતીય શાસ્ત્રીય સંગીત માટે દિલી લગાવ હતો અને તેઓ જાતે ઉચ્ચ કોટિના ગાયક હતા. તેઓ ગાયક કલાકાર તરીકે પંડિત રંગનાથ, પંડિત રઘુનાથ પોતદાર અને દિલ્હીના પંડિત મણીપ્રસાદજીના શિષ્યત્વ હેઠળ ઘડાયા હતા અને દેશ-વિદેશમાં ગાયન કલા પ્રસ્તુત કરી હતી. મહારાજા રણજિતસિંહ કલા મહોત્સવનો આશય સદ્‌ગત મહારાજા સાહેબના વિઝયુઅલ અને પર્ફોર્મિંગ એ બંને પ્રકારની કલાઓએ પુરસ્કૃત કરવા અને પીઠબળ આપવાના વારસાને નવચેતના આપવાનો છે.આ કાર્યક્રમમાં ઉત્સાદ ફૈયાઝખાં એવોર્ડ ફોર મ્યુઝિક શાસ્ત્રીય ગાયિકા મંજુષા પાટીલ અને વિઝયુઅલ આર્ટસમાં ઉત્કૃષ્ટતા માટેનો રાજા રવિ વર્મા એવોર્ડ ફોર એક્સેલન્સ જ્યોતિન્દ્ર માણશંકર ભટ્ટને પ્રદાન કરવામાં આવશે. બે સંધ્યાઓમાં વિભાજિત કલા મહોત્સવના આ દ્વિતીય સોપાન હેઠળ કબીર ભક્તિ ગીતોના ગાયિકા શબનમ વિરમાની, ગાયિકા મંજુષા પાટીલ, હાર્મોનિયમ વાદક સુયોગ કુંડાલકર, તબલાં વાદક પ્રશાંત પાંડવ, નામાંકિત વાયોલીનિસ્ટ અને પદ્મભૂષણ ડો. એન.રાજમની સાથે સંગીતા, નંદિની અને રાગિણી શંકભર તથા કથક નૃત્યકાર કુમાર શર્મા અને કલાવૃંદ ગીત, સંગીત અને નૃત્ય દ્વારા રસિકજનોને મંત્રમુગ્ધ કરશે.