વડોદરા, તા.૨૭ 

માંજલપુર વિસ્તારમાં રહેતા એનઆરઆઈના બંધ મકાનમાં ગત રાત્રે તસ્કરો ચોરી કરવા માટે ઘુસ્યા હોવાની જાણ થતાં જ સોસાયટીના રહીશોએ મકાનને ચારે તરફથી ઘેરી લઈ આ બનાવની માંજલપુર પોલીસને જાણ કરી હતી અને પોલીસ આવતા જ સ્થાનિક રહીશોએ પોલીસ સાથે બંને તસ્કરોને ઝડપી પાડયા હતા. માંજલપુરમાં અવધુતફાટક રોડ પર આવેલી કિરણપાર્ક સોસાયટીમાં રહેતા ભરતભાઈ પટેલ વાડીનીની ભારત કો.ઓ.બેન્કમાંથી નિવૃત્ત થયા છે જયારે તેમના મોટાભાઈ મહેશભાઈ પટેલનું તેમના ઘરની સામે લક્ષ્મી નારાયણ સોસાયટીમાં મકાન આવેલું છે અને મોટાભાઈ હાલમાં તે પત્ની અને છોકરાઓ સાથે અમેરિકામાં રહે છે. ગઈ કાલે રાત્રે પોણા બે વાગે એનઆરઆઈ મહેશભાઈ પટેલના બંધ મકાનને બે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને તેઓએ બાથરૂમની જાળીના સળિયા કાપી નાખીને બંધ મકાનના પહેલા માળે ગયા હતા અને પહેલામાળાના મુખ્ય દરાવાજનું તાળું તોડી તઓ મકાનની અંદર ઘુસ્યા હતા. તેઓ મકાનમાં ચોરી કરવા માટે તોડફોડ કરતા હોઈ તેના અવાજથી બાજુમાં રહેતા હાર્દિકભાઈ ચોકસી જાગી ગયા હતા અને તેમણે તુરંત આસપાસના રહીશોને મહેશભાઈના મકાનમાં ચોર ઘુસ્યાની જાણ કરી હતી. તસ્કરો મકાનમાં હોવાની જાણ થતાં જ સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં બહાર દોડી આવ્યા હતા. તેઓએ તસ્કરો ભાગી ના જાય તે માટે મહેશભાઈના મકાનને ચારે તરફથી કોર્ડન કર્યું હતું. આ બનાવની સોસાયટીના રહીશોએ પોલીસને જાણ કરતા માંજલપુર પોલી ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ આવતા સોસાયટીના રહીશોએ પોલીસ સાથે મકાનમાં તપાસ કરી હતી જેમાં મકાનમાં ચોરી કરવા ઘુસેલા કોહીનુર મહેશ ગોદડિયા અને પ્રકાશ ઉર્ફ મચ્છર અશોક ગોદડિયા (બંને રહે. અવધૂત ફાટક પાસે,માંજલપુર) મકાનમાંથી ચોરી કરેલા ચાંદીના સિક્કા અને રોકડા ૧૫૦૦ સાથે ઝડપાયા હતા.

પોતાના ભાઈના મકાનમાંથી બે તસ્કરો ઝડપાયાની જાણ થતાં ભરતભાઈ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આ બનાવની માંજલપુર પોલીસ મથકમાં ઉક્ત બને તસ્કરો વિરુધ્ધ બે હજારની મત્તાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને તસ્કરોના કોરોના ટેસ્ટની તજવીજ હાથ ધરી તેેઓની પુછપરછ શરૂ કરી છે.