કાનપુર-

ઉત્તર પ્રદેશ સરકારને 500 કરોડના રોકાણની નવી દરખાસ્તો મળી છે. આ અંતર્ગત વારાણસીમાં આશરે 250 કરોડના ખર્ચે આધ્યાત્મિક હોલિડે હોમ બનાવવાની પણ દરખાસ્ત છે.

150 થી વધુ દેશોમાં વિદેશી ભારતીયોના સંગઠન પીઆઈઓ ચેમ્બર ઓફ કોમર્સના વૈશ્વિક વેબિનારમાં આ દરખાસ્તો રાજ્યના ઓદ્યોગિક વિકાસ પ્રધાન સતિષ મહાનાએ પ્રાપ્ત કરી છે. જેમાં નોઈડા ઓથોરિટીના ચેરમેન આલોક ટંડન અને ઓદ્યોગિક વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ આલોક કુમારે વિદેશી રોકાણકારો સાથે વાત કરી હતી.

વેબિનારમાં કેનેડા, યુએસએ, યુકે, યુરોપ, આફ્રિકા, સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાના રોકાણકારોને સંબોધન કરતા ઉત્તર પ્રદેશના ઓદ્યોગિક વિકાસ પ્રધાન સતિષ મહાનાએ કહ્યું કે, 'વડા પ્રધાન મોદીના કારણે વિશ્વમાં ભારતનું સન્માન વધ્યું છે. આને કારણે વિદેશી રોકાણકારો પણ ઉત્તર પ્રદેશમાં ધંધા પ્રત્યે આકર્ષિત થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે અમે રોકાણકારોને સંસાધનો, સુવિધાઓ અને સુરક્ષા આપવા માટે તૈયાર છીએ.

ઈન્ડિયન એસોસિએશન ઓફ સાઉથ આફ્રિકાના પ્રમુખ અમિત મોરે જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં ભારતીય મૂળના લગભગ 1.5 મિલિયન લોકો છે, જેમાંથી 60 ટકા તમિળ છે અને બાકીના તેલુગુ, હિન્દી અને ગુજરાતી વક્તા છે. તેમાંથી દર વર્ષે 50 હજાર લોકો ભારત આવે છે. સ્વાભાવિક રીતે, દરેકની ભારતની સાંસ્કૃતિક રાજધાની વારાણસી સાથે ઉંડી લાગણી છે. વિદેશમાં હોલીડે રિસોર્ટની તર્જ પર તેમણે વારાણસીમાં આધ્યાત્મિક હોલિડે હોમ બનાવવાની દરખાસ્ત કરી.

તેમણે કહ્યું કે, જો ઉત્તરપ્રદેશ સરકાર સહકાર આપે તો દક્ષિણ આફ્રિકાના સમૃદ્ધ ડાયસ્પોરા પહેલા તબક્કામાં જ 250 કરોડથી વધુનું રોકાણ સરળતાથી કરી શકે છે.  વેનકુવર કેનેડાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિજય ગુપ્તાએ પણ ઉત્તર પ્રદેશના બાંડા જિલ્લામાં શિક્ષણમાં રોકાણ કરવા પ્રસ્તાવ મૂક્યો હતો. યુરોપના સેજલ કોઠારી અને જુલી દેસાઇએ ઉત્તર પ્રદેશમાં ટેકનોલોજી હબ બનાવવાની દરખાસ્ત કરી. 

150 થી વધુ દેશોમાં હાજર પીઆઈઓ ચેમ્બર ઓફ કોમર્સના ઉત્તર પ્રદેશ કન્વીનર મનીષ ખેમકાએ એનઆરઆઈને ઉત્તર પ્રદેશમાં રોકાણ માટે આમંત્રણ આપતાં કહ્યું, 'યોગી સરકારે ચાર લાખ કરોડ રૂપિયાથી વધુના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. તેમાંથી લગભગ બે લાખ કરોડ રૂપિયાના રોકાણ દરખાસ્તો પર કામ શરૂ થઈ ચૂક્યું છે. આપણા સમૃદ્ધ વિદેશી ભારતીયો આ અનુકૂળ પરિસ્થિતિઓનો લાભ માત્ર પોતાના જ નહીં પરંતુ દેશના વિકાસ માટે લઈ શકે છે. આ વેબિનાર દ્વારા કેનેડા, અમેરિકા, યુકે, યુરોપ, આફ્રિકા, સિંગાપોર, હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયાના રોકાણકારોએ ઉદ્યોગ પ્રધાન મહાનાથી ઉત્તરપ્રદેશમાં રોકાણ કરવામાં રસ દાખવ્યો હતો.