વડોદરા

ક્રાઇમબ્રાન્ચ દ્વારા બાતમીના આધારે શહેરના ભૂતડીઝાંપા વિસ્તારમાંથી ચોરીના બાઈક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પૂછતાછમાં તેણે શહેરના ચાર જુદા જુદા વિસ્તારોમાંથી કુલ ૪ બાઈકો ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસ દ્વારા તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજે બપોરના સમયે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે, ભૂતડીઝાંપા વિસ્તારમાંથી એક ઈસમ ચોરીનું બાઈક લઈને જનાર છે. બાતમીના આધારે વોચ ગોઠવતા એક ઈસમને ચોરીની શંકાસ્પદ બાઈક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. તેનું નામઠામ પૂછતાં પોતે સાજીદ ગનીભાઇ મન્સૂરી(રહે. યાકુતપુરા, ગોસિયા ગલી) હોવાનું સામે આવ્યું હતું. બાઈક અંગેની પૂછતાછ કરતા તેણે બાઈક ચોરીની હોવાનું કબૂલ્યું હતું. જ્યારબાદ કડકાઈથી કરવામાં આવેલી પૂછતાછમાં તેણે વાઘોડિયા, ફતેગંજ, રાવપુરા અને પાણીગેટ પોલીસમથકના વિસ્તારોમાંથી કુલ ૪ બાઈક ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.