સિડની 

ઓસ્ટ્રેલિયાના એક ઉદ્યોગપતિએ મહાન બેટ્સમેન ડોનાલ્ડ બ્રેડમેન (ડોન બ્રેડમેન)ની પ્રથમ બેગી ગ્રીન ટેસ્ટ કેપ 4 લાખ 50 હજાર ઓસ્ટ્રેલિયન ડોલર (લગભગ 3 લાખ અને 40 હજાર યુએસ ડોલર અથવા લગભગ 2.5 કરોડ રૂપિયા)માં હરાજીમાં ખરીદી છે. ક્રિકેટ જગતમાં યાદગાર રૂપ વસ્તુની આ બીજી સર્વાધિક કિંમત છે. 1928 ની ઓસ્ટ્રેલિયામાં તેની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન બ્રેડમેન દ્વારા પહેરેલી આ કેપને ઓસ્ટ્રેલિયાભરમાં ફેરવવા માટે રોડ માઇક્રોફોન્સના ફાઉન્ડર પીટર ફ્રીડમને આયોજન કર્યું છે.

બ્રિસ્બેનમાં ટેસ્ટ ડેબ્યૂ પહેલા સર ડોન બ્રેડમેનને નવેમ્બર 1928 માં ઇંગ્લેન્ડ સામેના મેચમાં આ ટેસ્ટ કેપ આપવામાં આવી હતી. બ્રેડમેને આ કેપ તેના પારિવારિક મિત્ર પીટર ડનહામને 1959 માં ભેટમાં આપી હતી. ડનહામ દક્ષિણ ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં બ્રેડમેનનો પાડોશી પણ છે. છેતરપિંડી બદલ તેને આ વર્ષની શરૂઆતમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. તેને 8 વર્ષથી વધુ કેદની સજા ફટકારી છે. 

રોકાણકારો પાસેથી દસ લાખ ડોલર (આશરે 7.39 કરોડ રૂપિયા) પડાવવા બદલ તે દોષી સાબિત થયો છે. કેટલાક રોકાણકારો જેમના નાણાં ડનહમે પડાવી લીધા છે, તેઓ માને છે કે બ્રેડમેનની કેપ 'દગાખોર'ના નાણાં ચુકવવામાં કેટલાકને મદદ કરી શકે છે. ડનહમ એસ્ટેટ નાદાર થઈ ગઈ છે. આને કારણે બ્રેડમેનની કેપની હરાજી કરવી પડી હતી.