વડોદરા : બેન્ક કૌભાંડ મામલે શહેરમાં જુદા જુદા સાત સ્થળોએ સીબીઆઈએ હાથ ધરેલા સર્ચ ઓપરેશનમાં કારેલીબાગના યુવાન અને એની માતાએ પીએમઓ તેમજ આરબીઆઈને કરેલી રજૂઆતના પગલે કાર્યવાહી થઈ રહી હોવાનું બહાર આવ્યું છે. સાળા-બનેવી વચ્ચે ચાલતા વિવાદમાં રાષ્ટ્રીયકૃત બેન્કોમાં ગેરરીતિઓ આચરવામાં આવી હોવાની થયેલી રજૂઆતના પગલે બેન્કોના ઉચ્ચ અધિકારીઓ સહિત કૌભાંડમાં સંડોવાયેલા અન્યોના ઘરે જઈને મહત્ત્વના દસ્તાવેજ કબજે કરાયા હોવાનું બહાર આવ્યું છે. દરોડા મોડી રાત સુધી ચાલતા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. જેના પગલે અનેક લોકો જેલમાં ધકેલાય એવી સ્થિતિ ઊભી થઈ છે. સાળા-બનેવીના વિવાદની વિગતો મુજબ સુકુમાર જાેશી અને સમીર સુરેન્દ્ર જાેશી તેમજ અન્ય સગાંસંબંધીઓએ ભાગીદારીમાં બાંધકામનો વ્યવસાય શરૂ કર્યો હતો. જેમાં સમીર જાેશીએ સાળા સુકુમાર જાેશીની જાણ બહાર બેન્કોમાંથી લીધેલી બારોબાર લોનના ગંભીર ગુનાઓ છતાં અન્ય વગદાર ભાગીદાર પ્રીતિ ઉદયભાનુ, લીલાબેન દ્વારા સુકુમાર, એમનો પુત્ર ધ્રુમિલ અને પત્ની બીનાબેન સામે ખોટી ખોટી ફરિયાદો કરવામાં આવતી હતી અને સુકુમારના પરિવારે કરેલી અસંખ્ય લેખિત રજૂઆતને શહેર પોલીસે ગંભીરતાથી લીધી ન હતી.

સુકુમારની પત્ની બીનાબેન વડનગરના છે, જ્યાંના વડાપ્રધાન મોદી છે. એના ઉલ્લેખ સાથે સીબીઆઈ, આરબીઆઈ અને બેન્ક સત્તાવાળાઓને સમગ્ર કૌભાંડની જાણકારી અપાયા બાદ વડાપ્રધાન કાર્યાલયને બીનાબેને પત્ર લખતાં ચોંકી ઊઠેલા ત્રણેય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ધ્રુમિલ જાેશી અને બીનાબેનની રજૂઆતને પગલે સીબીઆઈની ટીમો, આરબીઆઈ અને બેન્ક સત્તાવાળાઓ બીઓબી અને સિન્ડિકેટ બેન્કમાં થયેલા કૌભાંડની માહિતી લેવા માટે કારેલીબાગ જ્ઞાનજીવન રેસિડેન્સી ખાતે પહોંચ્યા હતા અને અન્ય ટીમો બીજા આરોપીઓ બેન્ક અધિકારીઓ અને બેન્કમાં તપાસ હાથ ધરી હતી. રજૂઆતમાં બંને બેન્કોના ઉચ્ચ અધિકારીઓએ કરેલી ગેરીરીતિની વિગતો જણાવાઈ હતી. આજે આ અંગેના પુરાવા એકઠા કરવા માટે પહોંચેલી ટીમ હવે બેન્કોના અધિકારીઓ અને અન્ય ભાગીદારોને કાયદાના સકંજામાં લે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે.