વડોદરા : બગલામુખી પાખંડી તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાય સામે ગોત્રી પોલીસ મથકે નોંધાયેલી દુષ્કર્મની વધુ એક ફરિયાદ નોંધાતાં પોલીસે પ્રશાંત ઉપાધ્યાયની અંગત સેવિકા દિશા ઉર્ફે જાેનની ધરપકડ કર્યા બાદ તેણીના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન કેટલીક વિગતો પોલીસને મળી હતી. સેવિકા દિશાના રિમાન્ડ પૂરા થતાં તેણીને જેલમાં મોકલી આપવામાં આવી હતી. જ્યારે બીજી તરફ પોલીસે પ્રશાંત ઉપાધ્યાયનો ટ્રાન્સફર વોરંટથી તેનો કબજાે મેળવી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસસૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. 

પાખંડી પ્રશાંત ઉપાધ્યાયના કાળા કરતૂતો એક પછી એક બહાર આવી રહ્યા છે, તેના પાપો છાપરે ચઢીને પોકારી રહ્યા છે. ત્યારે બગલામુખીના નામે લોકો પાસે લાખો-કરોડો રૂપિયાની છેતરપિંડી કરતાં વારસિયા પોલીસ મથકે રૂા.ર૧.૮૦ લાખની છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાઈ હતી. પ્રશાંતના કરતૂતોનો ભોગ બનેલ અને તેના આશ્રમમાં આવતી દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ ગોત્રી પોલીસ મથકે પ્રશાંત ઉપાધ્યાય વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં ગોત્રી પોલીસે પ્રશાંત ઉપાધ્યાયની અંગત ત્રણ સેવિકાઓ પૈકી દિશા ઉર્ફે જાેનને પોલીસે ડભોઈ રોડ સોમા તળાવ પાસે આવેલ તેના નિવાસસ્થાન કાન્હા ગોલ્ડ ખાતેથી દબોચી લેવામાં આવી હતી. તદ્‌ઉપરાંત તેણીનો મોબાલઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો. તેણીનો કોરોનાનો ટેસ્ટ કરાયા બાદ ધરપકડ કરવામાં આવી હતી. તેના બે દિવસના અદાલતી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસને કેટલીક વિગતો પ્રાપ્ત થઈ હતી. સેવિકા દિશા ઉર્ફે જાેનના બે દિવસના રિમાન્ડ પૂરા થતાં તેણીને જેલભેગી કરવામાં આવી હતી. બીજી તરફ પોલીસે દુષ્કર્મની ફરિયાદના મામલે પ્રશાંત ઉપાધ્યાયના ટ્રાન્સફર વોરંટ દ્વારા જેલમાંથી કબજાે મેળવ્યો હતો, તે બાદ તેને કોરોનાના ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું પોલીસસૂત્રો દ્વારા જાણવા મળેલ છે. કોરોના રિપોર્ટ બાદ પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.