સુરત-

ટેકનોલોજીના જમાનામાં લાગણીઓ ભૂલાઈ છે. માનવી ધીરે ધીરે પત્થર દિલનો બની રહ્યો છે. એમ કહો કે, લાગણીહિન માનવ ક્રુરતાની હદ વટાવી રહ્યો છે. માણસો મૂંગા પશુઓને પણ છોડતો નથી. મૂંગા પશુ સાથે પિશાચી કૃત્ય કરતા પણ જરા વિચારતા નથી. ત્યારે સુરતમાંથી એવો વીડિયો સામે આવ્યો છે જે તમારું કાળજુ કંપાવી દેશે. સોશિયલ મીડિયા પર સુરતનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક શ્વાનને દોરડાથી બાંધીને ગાડી સાથે ખેંચવામાં આવ્યો છે.

આ સાંભળવું પણ ન ગમે, ત્યારે કેટલાક લોકો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે. શ્વાનને દોરડા સાથે બાંધીને ચાલુ ગાડીએ ઘસડીને લઈ જવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયો વેસુ વિસ્તારનો હોવાનું અનુમાન છે. ચાલુ ગાડીએ શ્વાનને ધસડીને લઈ જતા તે મોતને ભેટ્યો હતો. તેમ છતા બે યુવકો શ્વાનને ધસડીને લઈ જઈ રહ્યાં છે. પાછળ બેસેલ શખ્સે શ્વાનના ગળાના ભાગે દોરી બાંધી હતી, અને તેનો બીજાે છેડો બાઈક પર પકડીને રાખ્યો હતો. અન્ય બાઇક ચાલકે પોતાના મોબાઈલમાં આ વીડિયો ઉતાર્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ પશુપ્રેમીઓમાં રોષ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સુરતના ભેસ્તાન વિસ્તારમાં બે જેટલા શ્વાનને ઝેરી આપી મારી નંખાયા હતા. જે ઘટનામાં પોલીસે ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી હતી.