વડોદરા, તા.૨૯   

કોવિડ ની મહામારી એ ઘણી બધી પ્રચલિત કાર્ય પદ્ધતિઓને ધડમૂળ થી બદલી નાંખી છે જેમાં ચૂંટણી પ્રક્રિયા અને મતદાનનો સમાવેશ થાય છે.તેને અનુલક્ષીને કરજણ બેઠકની પેટા ચૂંટણી માં જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્રે ભારતના ચૂંટણી પંચના કોવિડ વિશેષ માર્ગદર્શન ને ચુસ્ત રીતે અનુસરી ને કેટલીક વિશેષ સાધન સામગ્રી રાજ્ય સરકારની મદદ થી ઉપલબ્ધ કરાવી છે.અત્યારે સુધી મતદાન મથકે મતદાન કર્યાની નિશાની રૂપે મતદારની આંગળીએ ટપકું કરવા અવિલોપ્ય શાહીની બોટલ અપાતી હતી,હવે તેની સાથે સેનેટાઈઝર ની બોટલ ઉમેરાશે.તો અગાઉ દરેક મતદાન મથક માટે એક ફાનસ આપવામાં આવતું હતું જે હવે નથી અપાતું.તો તેની સામે રબર મોજાં અને ફેસ શિલ્ડ જેવી નવી સામગ્રી ઉમેરવામાં આવી છે.

આરોગ્ય માટેના નોડલ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટિલાવત ના સંકલન હેઠળ આ તમામ કોવિડ વિશિષ્ઠ સાધન સામગ્રી પ્રોક્યોર કરીને શહેરમાં આવેલા જિલ્લા આરોગ્ય તંત્રના ઔષધ ભંડાર ખાતે રાખવામાં આવી હતી જે આજે વિવિધ બોક્ષમાં કરજણ બેઠકના ચૂંટણી અધિકારીને પહોંચાડવામાં આવી હતી.

આ અંગે વધુ જાણકારી આપતાં જિલ્લા એપીડેમિક ઓફિસર ડો. બિડલા એ જણાવ્યું કે ૩૧૧ મતદાન મથકે આવનારા પ્રત્યેક મતદારોને ૧ ડિસ્પોઝેબલ પોલીથીન હાથ મોજું આપવામાં આવશે.આ મોજું જમણા હાથે પહેરીને મતદારે મતદાન યંત્રની ચાંપ દબાવવાની છે એટલે કે મતદાન કરવાનું છે.ડાબા હાથની આંગળી પર શાહીનું નિશાન કરવાનું હોવાથી એ હાથે મોજું પહેરવાનું નથી.મતદાન યંત્રની ચાંપોને મતદારોની આંગળીઓના વારંવાર થનારા સ્પર્શ થી ચેપની શક્યતા ટાળવા આ તકેદારી લેવામાં આવી છે.મતદાન પછી મતદારે આ મોજું કાઢીને તેના માટેની વિશેષ કચરા ટોપલીમાં નાંખીને પછી જ મતદાન મથકની બહાર નીકળવાનું રહેશે.આ હેતુસર લગભગ બે લાખ પોલીથીન હાથ મોજાં આપવામાં આવ્યાં છે. જ્યારે મતદાન કર્મીઓ ને ચેપ સામે સુરક્ષિત રાખવાની તકેદારીના ભાગરૂપે ,મતદાન મથકે ફરજ બજાવનારા તમામ મતદાન કર્મીઓ,સુરક્ષા કર્મીઓ અને આશા/ આરોગ્ય કાર્યકરો ને બંને હાથે મતદાનના સંપૂર્ણ સમય દરમિયાન પહેરી રાખવા માટે રબરના હાથ મોજાં આપવામાં આવ્યાં છે.તે માટે ૫ હજાર જોડી રબર મોજાં આપવામાં આવ્યા છે.

 મતદાન ના આગલા દિવસે વિશેષ તકેદારી રૂપે મતદાન મથકોને સેનેટાઇઝ કરવામાં આવશે.આ ઉપરાંત મતદાન મથકની ફરજ પરના સુરક્ષા સહિત તમામ કર્મચારીઓને પહેરી રાખવા મ ફેસ શિલ્ડ આપવામાં આવશે. તે માટે ૫હજાર જેટલા શિલ્ડ આપવામાં આવ્યાં છે.તકેદારીના ભાગરૂપે ૧ હજાર પી.પી. ઈ કિટ્‌સ પણ ફાળવવામાં આવી છે.દરેક મતદારે ફરજિયાત માસ્ક પહેરીને મતદાન મથકે આવવાનું છે.