રાજપીપળા, તા.૧૭ 

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ૩૮ સે.મી.નો વધારો થયો છે. નર્મદા ડેમની જળસપાટી ૧૨૧.૨૦ મીટર પર પહોંચી છે.ઉપરવાસમાંથી ૨૩,૧૦૮ ક્યૂસેક પાણીની આવકને પગલે ડેમની સપાટીમાં હાલ નજીવો વઘારો થયો છે.

હાલ ડેમમાં ૧૪૧૩.૬૬ મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો ઉપબલ્ધ છે અને ધીરે ધીરે પાણીની આવક થઇ રહી છે. ત્યારે તંત્ર દ્વારા પાણીના સંગ્રહ કરવા નર્મદા ડેમ ખાતેના ૧૨૦૦ મેગા વોટના રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ બંધ છે.આ વર્ષે ઇન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમ હજી ભરાયા નથી.આ બંને ડેમ ભરાયા બાદ જ નર્મદા ડેમમાં પાણી છોડવામાં આવશે. જોકે હાલ નર્મદા ડેમમાં નદી-નાળાઓની પાણીની આવક થતાં ડેમની સપાટી વધી છે. નર્મદા બંધની જળસપાટી હાલની પરિસ્થિતિએ ખુબ નીચી સપાટી કહેવાય, કેમ કે સારા વરસાદને લઈને પાવરહાઉસ ચલાવી ઘણું પાણી ખર્ચ કરી દીધું અને આગામી ૩૧ મી ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ કેવડિયા ખાતે નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને ૧૨ કિ.મિ. નું સરોવર ભરવા લાખો ક્યુસેક પાણી જરૂર પડશે.ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાણીમાં ઉભું હોય એમ દેખાશે.આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી નર્મદા બંધની જળસપાટી વધારવામાં આવી રહી છે.